કેન્યાની એક હાઈકોર્ટે સરકાર અને ભારતની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ વચ્ચેના $1.85 બિલિયનના કરાર પર સ્ટે મૂક્યો હોવાનો ફાઇનાન્શિયલ ટાઇમ્સે અહેવાલ આવ્યો હતો. આ કરારથી અદાણીને નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ (JKIA)ને 30 વર્ષ માટે ઓપરેટ કરવાનો અધિકાર મળ્યો હોત. કોર્ટે વધુ આદેશ ન થાય ત્યાં સુધી આ સોદાના અમલ પર મનાઇ હુકમ આપ્યો હતો.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ નૈરોબીમાં જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) અદાણી એરપોર્ટને લીઝ પર આપવા સામે કેન્યા સરકાર સામે કોર્ટમાં અરજી કરાઈ હતી. કેન્યા હ્યુમન રાઇટ્સ કમિશન અને વકીલોની સંસ્થાએ દલીલ કરી હતી કે આ પગલું ગેરબંધારણીય છે.વ્યૂહાત્મક અને નફાકારક JKIAને ખાનગી કંપનીને ભાડાપટ્ટે આપવનો કરાર અતાર્કિક છે અને તે સુશાસન, જવાબદારી, પારદર્શિતા અને જાહેર નાણાના સમજદાર અને જવાબદાર ઉપયોગના બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
કેસના અરજદાર કેન્યાની લો સોસાયટીના પ્રમુખ, ફેઇથ ઓધિયામ્બોએ જણાવ્યું હતું કે આ કરારથી નોકરીઓ પર જોખમ આવશે અને કેન્યા સરકાર એરપોર્ટના વિસ્તરણ માટે જરૂરી ભંડોળ ઊભું કરી શકે તેમ છે.
અગાઉ અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે કેન્યામાં એરપોર્ટ બિઝનેસ માટે એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર PLC નામની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીની સ્થાપના કરી હતી. અદાણી જૂથ હાલમાં ભારતમાં સાત એરપોર્ટનું સંચાલન કરે છે અને નવી મુંબઈમાં એક નવું એરપોર્ટ શરૂ કરવા માટે તૈયાર છે. જો કેન્યામાં સફળતા મળશે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્ષેત્રમાં અદાણીનો તે પ્રથમ પ્રોજેક્ટ હશે.
અગાઉ કેન્યા એરપોર્ટ ઓથોરિટી (KAA)એ જણાવ્યું હતું કે તેને નૈરોબીના એરપોર્ટના અપગ્રેડેશન માટે અદાણી જૂથ તરફથી રોકાણની દરખાસ્ત મળી છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) માટે જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ રોકાણની દરખાસ્ત સબમિટ કરવામાં આવી છે.