અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ગાઢ સાથીદાર ઇલોન મસ્ક સામે 13 રાજ્યોએ ફેડરલ કોર્ટમાં એક કેસ દાખલ કર્યો છે. આ રાજ્યોએ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા તરીકે મસ્કની નિમણૂકને પડકારી છે. કોર્ટમાં કેસ દાખલ કરનારામાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના બે ગવર્નરનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પે કાર્યક્ષમતામાં વધારો કરવા અને સરકારી કર્મચારીઓ અને વિભાગોમાં કાપ મૂકવા માટે આ નવા ડિપાર્ટમેન્ટની રચના કરેલી છે.
ન્યૂ મેક્સિકોની આગેવાની હેઠળના રાજ્યોએ આરોપ મૂક્યો છે કે ઇલોન મસ્ક અરાજકતાના એજન્ટ છે. DOGEના વડા તરીકે મસ્કને અમર્યાદ સત્તાથી અપાયેલી છે અને આ સત્તા અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કરે છે.
વોશિંગ્ટન, ડી.સી.ની ફેડરલ કોર્ટમાં ગુરુવારે દાખલ કરાયેલ કેસમાં જણાવાયું છે કે સરકારી કર્મચારીઓની મોટા પાયે છટણી કરવાની અને સમગ્ર વિભાગોને ખતમ કરવાની મસ્કને અમર્યાદિત અને નિરંકુશ સત્તા અપાઈ છે, જે દેશની આઝાદી માટે લડત ચલાવનારા લોકો માટે આઘાતજનક છે. બિનચૂંટાયેલા વ્યક્તિના હાથમાં તમામ સત્તાઓના કેન્દ્રીયકરણથી લોકશાહી માટે મોટો ખતરો ઊભા થાય છે.
મસ્કની નિમણૂકને પડકારનારા રાજ્યોમાં ન્યુ મેક્સિકો ઉપરાંત એરિઝોના, કેલિફોર્નિયા, કનેક્ટિકટ, હવાઈ, મેરીલેન્ડ, મેસેચ્યુસેટ્સ, મિશિગન, મિનેસોટા, નેવાડા, ઓરેગોન, રહોડ આઇલેન્ડ, વર્મોન્ટ અને વોશિંગ્ટનનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે નેવાડા અને વર્મોન્ટમાં ટ્રમ્પની પાર્ટીના ગવર્નરો છે.
DOGEના વડા તરીકેની મસ્કની નિમણુકને પડકારતો આ બીજો કાનૂની દાવો છે. મેરીલેન્ડની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલ એક અલગ કેસમાં પણ બંધારણની જોગવાઈનો ભંગ થતો હોવાની દલીલ કરાઈ છે.
14 રાજ્યોએ દાખલ કરેલા કેસમાં જણાવ્યું છે કે બંધારણ મુજબ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક્ઝિક્યુટિવ બ્રાન્ચ અને ફેડરલ ખર્ચના માળખાને લગતા હાલના કાયદાઓની ઉપરવટ જઈ શકે નહીં. તેથી કમાન્ડર-ઇન-ચીફ તરીકે ટ્રમ્પ નવી ફેડરલ એજન્સીની રચના કે નાબૂદી કરી શકે નહીં.
ઇલોન મસ્કને વ્હાઇટ હાઉસના માત્ર એક સલાહકારની જગ્યાએ વિશેષ સત્તા ધરાવતા વ્યક્તિ ગણાવીને રાજ્યોએ કોર્ટમાં માગણી કરી છે કે મસ્કે અત્યાર સુધી આ વિભાગના વડા તરીકે જે પગલાં લીધા હોય તેને ગેરકાયદે જાહેર કરવામાં આવે છે. મસ્કે તેમના ડિપાર્ટમેન્ટમાં અમેરિકાની ઓછામાં ઓછી 17 એજન્સીઓને સામેલ કર્યો છે.
જોકે મસ્ક અને ટ્રમ્પ બંને વારંવાર જણાવી ચુક્યા છે કે નવા ડિપાર્ટમેન્ટનો હેતુ ‘સરકારી કચરો અને સંભવિત રીતે ગુનાહિત ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી નાંખવાનો છે.
