અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારત અને મધ્ય એશિયાના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સ્વીકારવા કોસ્ટા રિકાએ સંમતિ આપી છે. 200 ઇમિગ્રન્ટ્સનું પ્રથમ જૂથ બુધવારે કોમર્શિયલ ફ્લાઇટમાં જુઆન સાંતામારિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. આમ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ઇમિગ્રન્ટ્સ માટે કોસ્ટા રિકા એક સેતુનું કામ કરશે. આ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને કોસ્ટ રિકાથી તેમના સંબંધિત દેશોમાં મોકલવામાં આવશે.
કોસ્ટા રિકાના પ્રમુખ રોડ્રિગો ચાવેસ રોબલ્સના કાર્યાલયે એક નિવેદનમાં જણાવાયું હતું કે કોસ્ટા રિકા ભારત અને મધ્ય એશિયાના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલવામાં એક સેતુ તરીકે સેવા માટે માટે સંમત થયું છે. કોસ્ટા રિકાની સરકાર 200 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પરત મોકલવામાં અમેરિકા સાથે સહયોગ કરવા સંમત થયું છે. આ લોકો મધ્ય એશિયા અને ભારતીય મૂળ છે. આમાંથી કેટલાં લોકો ભારતના છે તેની સ્પષ્ટતા કરાઈ ન હતી. આ લોકોને કોસ્ટા રિકામાંથી તેમના મૂળ દેશમાં મોકલવામાં આવશે.
ઇમિગ્રન્ટ્સને તેમના મૂળ દેશોમાં મોકલતા પહેલા આ મધ્ય અમેરિકન રાષ્ટ્રમાં માઇગ્રન્ટ કેર ફેસિલિટીમાં રાખવામાં આવશે. યુ.એસ. દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ દેશનિકાલ અભિયાન પર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દેખરેખ રાખશે.
અમેરિકામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાતના થોડા દિવસો પછી આ હિલચાલ જોવા મળી છે. મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઇમિગ્રેશન સહિતના વિવિધ દ્વિપક્ષીય મુદ્દા પર મંત્રણા કરી હતી. અમેરિકાએ અત્યાર સુધી ત્રણ તબક્કામાં કુલ 332 ભારતીયોનો દેશનિકાલ કર્યો છે.
