ઉત્તરાખંડ ખાતેના પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ મંદિરની દિલ્હીમાં પ્રતિકૃતિનું નિર્માણ કરવાના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો હતો. કેદારનાથ ધામ સાથે જોડાયેલા પંડિતો અને પૂજારીઓમાં રોષ ફેલાયો હતો. તેમની દલીલ છે કે કેદારનાથ ધામ સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે. આવી સ્થિતિમાં બાબા કેદારનાથનું મંદિર બીજે ક્યાંક બનાવવું એ યાત્રાની ગરિમાની વિરુદ્ધ છે અને ધામ પ્રત્યેની લોકોની આસ્થા પર પણ હુમલો છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પણ દિલ્હીમાં બની રહેલા આ મંદિરનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે કેદાર હિમાલયમાં છે તો તમે તેને દિલ્હીમાં કેવી રીતે બનાવી શકો છો.
વિવાદ પર શ્રી કેદારનાથ ધામ ટ્રસ્ટ બુરારી, દિલ્હીના સંસ્થાપક અને પ્રમુખ સુરેન્દ્ર રૌતેલાએ કહ્યું કે, કેદારનાથ મંદિર દિલ્હીમાં બની રહ્યું છે, ધામ નહીં. કેદારનાથ ધામ દિલ્હી ટ્રસ્ટ આ મંદિરનું નિર્માણ કરી રહ્યું છે. ઉત્તરાખંડ સરકારને આની સાથે કોઈ લેવાદેવા નથી. અમે કેદારનાથ ધામ અને ત્યાં જોડાયેલા ભક્તોની આસ્થાનું સન્માન કરીએ છીએ. બાબા કેદારના ભક્તો જ દિલ્હીમાં તેમનું મંદિર બનાવી રહ્યા છે. તેથી વિવાદ ઊભો કરવાનો કોઈ ફાયદો નથી. દેશભરમાં માતા વૈષ્ણો દેવી અને બાંકે બિહારીના ઘણા મંદિરો છે, પરંતુ આનાથી આસ્થાને અસર થતી નથી.