કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે સમાવેશનો વિરોધ કર્યો હતો અને આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને તેમના પદ પરથી હટાવવાની જાહેરાત કરી હતી.
મહાકુંભમાં 24 જાન્યુઆરીના રોજ જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી મહેન્દ્રાનંદ ગિરી, આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને અન્ય કિન્નર મહામંડલેશ્વરોની હાજરીમાં સત્તાવાર રીતે 52 વર્ષીય મમતા કુલકર્ણીનો મહામંડલેશ્વર તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કુલકર્ણીનું નામ બદલીને યામાઈ મમતા નંદ ગિરી રાખવામાં આવ્યું હતું અને અન્ય પાંચને પણ આ પ્રસંગે મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું હતું.
તેમના કેમ્પમાં એક પ્રેસ કોન્ફરન્સમાં અજય દાસે જાહેર કર્યું કે, “કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને હટાવવામાં આવી રહ્યા છે. તેમણે મમતા કુલકર્ણીની નિમણૂક કરીને સનાતન ધર્મના સિદ્ધાંતો અને રાષ્ટ્રીય હિતની અવગણના કરી છે.
અજય દાસની જાહેરાતના થોડા સમય પછી, ત્રિપાઠીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી તેમના દાવાઓને રદિયો આપીને જણાવ્યું હતું કે મારા બોર્ડ અને સિસ્ટમનો ભાગ હોય તે જ મને હટાવી શકે છે.ત્રિપાઠીએ કુલકર્ણીની નિમણૂકનો બચાવ કરતા જણાવ્યું હતું કે, “મમતા કુલકર્ણી મહામંડલેશ્વર છે અને રહેશે. તેમની સામે હવે કોઈ આરોપ નથી. તમામ કેસ બરતરફ કરવામાં આવ્યા છે. અમારી કાનૂની ટીમ અજય દાસ સામે પગલાં લેશે.
