ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચેમ્પિયન બન્યા પછી રવિવારે રાત્રે દુબઈના સ્ટેડિયમમાં ખેલાડીઓ, મેચ ઓફિસિયલ્સને મેડલ વગેરે એનાયત કરાયા તે સમારંભમાં ટ્રોફીના યજમાન તરીકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક પણ પ્રતિનિધિ હાજર નહીં હોવાની બાબત વિવાદાસ્પદ બની છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ અને કોમેન્ટેટરો વસિમ અક્રમ તેમજ શોએબ અખતરે આ બાબતે કહ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કોઈપણ અધિકારી કે પ્રતિનિધિની હાજરી ના હોય તે વિચિત્ર બાબત લાગે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કોઈ એકાદ અધિકારીની ઉપસ્થિતિની તો તદેકારી લેવી જોઈતી હતી.
એક ભારતીય ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ પાકિસ્તાન યજમાન હોવાના નાતે ચેમ્પિયન્સ ટ્રોફીના ડાયરેક્ટર અને પીસીબીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) સુમેર અહમદ રવિવારે દુબઈ સ્ટેડિયમમાં હાજર હોવા છતાં તેમને સમાપન સમારંભમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ નહોતું અપાયું. અક્રમના જણાવ્યા મુજબ સુમેર અને ઉસ્માન વાહલા દુબઈમાં સ્ટેડિયમમાં તો હતા પણ સમારંભમાં દેખાયા નહોતા.
કેટલાક અહેવાલો મુજબ પાકિસ્તાની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી અને ભારત ચેમ્પિયન બન્યું હોવાના કારણે પાકિસ્તાની અધિકારીઓની અનુપસ્થિતિ ઈરાદાપૂર્વકની હોય તેવી પણ સંભાવના કેટલાક વર્તુળોમાં વ્યક્ત કરવામાં આવી હતી.
તો એક અહેવાલ મુજબ ગ્લોબલ સ્પર્ધાના કિસ્સામાં ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે સમારંભમાં કોણ ઉપસ્થિત રહે તેનો નિર્ણય પ્રોટોકોલ અનુસાર આઈસીસીએ કરવાનો હોય છે.
