રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરના કથિત અપમાનની વિરુદ્ધમાં કોંગ્રેસ આગામી સપ્તાહે દેશભરમાં આંદોલન કરીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માગણી કરશે. 24 ડિસેમ્બરે દરેક જિલ્લા મુખ્યાલયમાં બાબાસાહેબ આંબેડકર સન્માન કૂચ કાઢવામાં આવશે.
કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે પાર્ટીના સાંસદો અને નેતાઓ 22 અને 23 ડિસેમ્બરે દેશભરમાં 150 સ્થળોએ પ્રેસ કોન્ફરન્સ કરશે અને 24 ડિસેમ્બરે કાર્યકર્તાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે.ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ કરતું અમારું આંદોલન ચાલુ રહેશે. પાર્ટી આગામી સપ્તાહની ડૉ. આંબેડકર સન્માન સપ્તાહ તરીકે ઉજવશે. 24 ડિસેમ્બરે સમગ્ર દેશમાં અમે બાબાસાહેબ આંબેડકર સન્માન કૂચ યોજીશું અને અમિત શાહના રાજીનામાની માંગ સાથે જિલ્લા કલેક્ટર દ્વારા ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીશું. 26-27 ડિસેમ્બરે બેલાગવીમાં CWC સત્ર અને એક મેગા રેલીનું આયોજન કરાશે.