અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક પછી ગ્રુપ ફોટોગ્રાફ માટે પોઝ આપતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધી પક્ષ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ(AICC via PTI Photo)

ગુજરાતમાં કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં 8 એપ્રિલે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની વિસ્તૃત બેઠક પાર્ટીને ફરી બેઠી કરવા માટે સંગઠનમાં ધરખમ ફેરફાર કરવાની તથા સરદાર વલ્લભભાઈ પટેલના સિદ્ધાંતોનું પાલન કરીને વિભાજનકારી તાકાતનો હરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પાર્ટીએ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે એક ઠરાવ પસાર કર્યો અને જણાવ્યું હતું કે તે ધાર્મિક ધ્રુવીકરણના ઉન્માદ સામે લડીને ભારતના લોખંડી પુરુષની દૃઢતાનું અનુકરણ કરવા માટે કટિબદ્ધ છે. પાર્ટીએ સરદાર વલ્લભભાઈ પટેલના વારસા પર ભાજપ અને આરએસએસના દાવાને પણ ફગાવી દીધો હતો. આ બેઠકમાં પાર્ટીના જિલ્લાના પ્રમુખોને વધુ સત્તા આપવાનો સહિતના અનેક ઠરાવો પસાર કર્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે જણાવ્યું હતું કે કોંગ્રેસે આ વર્ષ પાર્ટી સંગઠનના સંપૂર્ણ પુનર્ગઠનની પ્રક્રિયા પૂરી કરવાનો નિર્ણય કર્યો છે અને બેઠકમાં આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. અમે મોટા પાયે સંગઠનાત્મક ફેરબદલ કરવા જઈ રહ્યા છીએ અને તેના માટે માર્ગદર્શિકા પણ હશે. અમારા મહાસચિવો અને પ્રભારીઓ તેના પર કામ કરી રહ્યા છે. પાર્ટીના જિલ્લા એકમના વડાઓને સશક્ત બનાવવાના પગલાં ટૂંક સમયમાં જાહેર કરાશે.

વેણુગોપાલે જણાવ્યું હતું કે CWCએ એક ઠરાવ પસાર કર્યો કે “અમારી પાર્ટી સરદાર પટેલજી દ્વારા બતાવેલા માર્ગ પર ચાલશે. તેમણે અંગ્રેજોના જુલમનો વિરોધ કર્યો હતો. કામદારો અને ખેડૂતોના અધિકારો માટે લડ્યા હતાં. ગાંધી બાપુની હત્યા પછી તેમણે સાંપ્રદાયિક શક્તિઓને નકારી કાઢી હતી. તેઓ એવા ભારત માટે લડ્યા જ્યાં દરેકને મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાઓ હોય.આજે અમે સામાજિક ન્યાયના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ, ત્યારે આ ન્યાય માર્ગ સરદાર પટેલ દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોને અનુસરે છે.

અગાઉ ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીની બેઠી કરવાના ભાવિ રોડમેપ, મુખ્ય રાષ્ટ્રીય મુદ્દાઓ, સંગઠનાત્મક મજબૂતીકરણ અને આગામી ચૂંટણીઓની તૈયારીઓ પર મંથન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની વિસ્તૃત બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે, કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના વડા સોનિયા ગાંધી, ખાસ આમંત્રિતો, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતાઓ, કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ના સભ્યો, કોંગ્રેસ સંસદીય પક્ષ કાર્યાલયના પદાધિકારીઓ, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનોએ હાજરી આપી હતી. અમદાવાદમાં મંગળવાર આઠ એપ્રિલે યોજાયેલીની કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં પ્રિયંકા ગાંધી હાજર રહ્યાં ન હતાં. તેઓ વિદેશમાં હોવાનું માનવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ખાતે યોજાયેલી આ બેઠકમાં લગભગ ૧૭૦ નેતાઓ હાજર રહ્યાં હતાં.

CWCની બેઠક પછી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ (AICC)ને સેશન 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી તેના સંગઠનાત્મક કાયાકલ્પ અંગે અનેક જાહેરાતો કરે તેવી શક્યતા છે, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને વધુ સત્તાઓ આપવી અને જવાબદારી સુનિશ્ચિત કરવી શામેલ છે.પાર્ટી આ વર્ષે અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેની રણનીતિને પણ અંતિમ સ્વરૂપ આપશે.અમદાવાદ સેશન “ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ” થીમ પર યોજાઈ રહ્યું છે.

આ વર્ષે મહાત્મા ગાંધીના પક્ષ પ્રમુખપદની 100મી વર્ષગાંઠ અને સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે, બંને ગુજરાતમાં જન્મેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે.કોંગ્રેસનો ગુજરાત સાથે ઐતિહાસિક સંબંધ રહ્યો છે કારણ કે તેના દિગ્ગજ નેતાઓ, મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ, ગુજરાતથી આવ્યા હતા અને પાર્ટીએ રાજ્યમાં તેના પાંચ અધિવેશન યોજ્યા છે, જેમાંના દરેકે દેશના ઇતિહાસને આકાર આપવામાં ફાળો આપ્યો છે.

LEAVE A REPLY