ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મગળવાર, 8 એપ્રિલથી કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા CWCની અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ખાતે બેઠક યોજાશે, જેમાં પાર્ટીની બેઠી કરવાના ભાવિ રોડમેપ, મુખ્ય રાષ્ટ્રીય મુદ્દાઓ, સંગઠનાત્મક મજબૂતીકરણ અને આગામી ચૂંટણીઓની તૈયારીઓ પર મંથન કરવામાં આવશે.
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની વિસ્તૃત બેઠકમાં તેના સભ્યો, કાયમી અને ખાસ આમંત્રિતો, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતાઓ, પરિષદના નેતાઓ, કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ના સભ્યો, કોંગ્રેસ સંસદીય પક્ષ કાર્યાલયના પદાધિકારીઓ, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજરી આપશે.સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ખાતે યોજાનારી આ બેઠકમાં લગભગ ૧૭૦ લોકો હાજર રહે તેવી શક્યતા છે.
ગુજરાતમાં 64 વર્ષ પછી યોજાઈ રહેલા આ અધિવેશનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના તમામ અગ્રણી નેતાઓ ઉપરાંત દેશભરમાંથી તેના નેતાઓ આવશે અને પાર્ટીને બેઠી કરવાનું મંથન કરશે.
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) બેઠક અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ (AICC) સેશન માટે ગુજરાત કોંગ્રેસ સજ્જ બની રહી છે. AICC સત્ર માટે સાબરમતી રિવરફ્રન્ટ પર એક મોટો ડોમ બનાવવામાં આવ્યો છે, જ્યારે CWCની બેઠક માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક પરિસરમાં બીજું એક માળખું બનાવવામાં આવ્યું છે.
CWCની બેઠક પછી AICC સત્ર 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. CWCની બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત 262 નેતાઓ ભાગ લેશે. CWC સેશનમાં રાજ્ય કોંગ્રેસ પ્રમુખો અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી તેના સંગઠનાત્મક કાયાકલ્પ અંગે અનેક જાહેરાતો કરે તેવી શક્યતા છે, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને વધુ સત્તાઓ આપવી અને જવાબદારી સુનિશ્ચિત કરવી શામેલ છે.પાર્ટી આ વર્ષે અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેની રણનીતિને પણ અંતિમ સ્વરૂપ આપશે.
અમદાવાદ સેશન “ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ” થીમ પર યોજાશે, જેમાં 9 એપ્રિલના રોજ મુખ્ય સંમેલનમાં 1,700થી વધુ ચૂંટાયેલા અને સહ-ઓપ્ટેડ AICC સભ્યો હાજરી આપશે.આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ ઠરાવો પસાર થવાની અપેક્ષા છે. કોંગ્રેસે સત્ર માટે એક મુસદ્દા સમિતિની પણ સ્થાપના કરી હતી.
આ વર્ષે મહાત્મા ગાંધીના પક્ષ પ્રમુખપદની 100મી વર્ષગાંઠ અને સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે, બંને ગુજરાતમાં જન્મેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે.કોંગ્રેસનો ગુજરાત સાથે ઐતિહાસિક સંબંધ રહ્યો છે કારણ કે તેના દિગ્ગજ નેતાઓ, મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ, ગુજરાતથી આવ્યા હતા અને પાર્ટીએ રાજ્યમાં તેના પાંચ અધિવેશન યોજ્યા છે, જેમાંના દરેકે દેશના ઇતિહાસને આકાર આપવામાં ફાળો આપ્યો છે.
