હરિયાણામાં દસ વર્ષના ભાજપના શાસન પછી હવે કોંગ્રેસની સરકારની રચના થવાની તથા જમ્મુ અને કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભાની રચના થવાની મોટાભાગના એક્ઝિટ પોલમાં 5 ઓક્ટોબરે અંદાજ વ્યક્ત કરાયો હતો. બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી જારી કરાયેલા એક્ઝિટ પોલ્સ મુજબ જમ્મુ-કાશ્મીરમાં ભાજપ કરતાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસના ગઠબંધનને વધુ બેઠકો મળવાની શક્યતા છે અને મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) કિંગમેકર બની શકે છે. હરિયાણામાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું ખાતુ પણ ન ખૂલવાની મોટાભાગના એક્ઝિટ પોલમાં આગાહી કરાઈ હતી. બંને રાજ્યોની ચૂંટણીના વાસ્તવિક રિઝલ્ટ આઠ ઓક્ટોબરે જારી થશે.
કુલ સાત એક્ઝિટ પોલ્સના સરેરાશ અંદાજ મુજબ હરિયાણામાં વિધાનસભાની કુલ 90માંથી કોંગ્રેસને 55 બેઠકો મળવાની ધારણા છે, જે 45 બેઠકોના બહુમતી આંકડાથી વધુ છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ કુલ 90 બેઠકો પણ છે, કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન 43 બેઠકો જીતે તેવી શક્યતા છે, જે બહુમતીના આંકથી ત્રણ બેઠકો ઓછી છે.
સી-વોટર-ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલે હરિયાણામાં કોંગ્રેસને 50-58 અને ભાજપને 20-28 બેઠકો આપી હતી, જ્યારે રિપબ્લિક ભારત-મેટ્રિઝના પોલ્સમાં ભાજપને 18-24ની સરખામણીમાં કોંગ્રેસને 55-62 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.
રેડ માઈક-દતંશ એક્ઝિટ પોલે હરિયાણામાં કોંગ્રેસને 50-55 અને ભાજપને 20-25 બેઠકો આપી છે, જ્યારે ધ્રુવ રીસર્ચે કોંગ્રેસને 50-64 અને ભાજપને 22-32 બેઠકો આપી હતી.પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલે હરિયાણામાં કોંગ્રેસને 49-60 અને ભાજપને 20-32 બેઠકો આપી છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે જેજેપી કરતા INLDને વધુ બેઠકો મળવાનું અનુમાન લગાવ્યું હતું, જ્યારે અન્યને 10 બેઠકો સુધીની બેઠકો મળતી જોવા મળી હતી.
હરિયાણામાં 2014થી ભાજપ સત્તામાં છે. 2019માં બીજેપીએ બીજી ટર્મ માટે જેજેપી સાથે ગઠબંધનમાં કર્યું હતું. જેમાં દુષ્યંત સિંહ ચૌટાલા નાયબ મુખ્ય પ્રધાન હતાં. જોકે ચૂંટણી પહેલા ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું હતું.
જમ્મુ અને કાશ્મીરમાં સી-વોટર-ઈન્ડિયા ટુડે સર્વેએ કેન્દ્રશાસિત પ્રદેશની 90 સભ્યોની વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનને 40-48 બેઠકો અને ભાજપને 27-32 બેઠકોનો અંદાજ મૂક્યો છે. દૈનિક ભાસ્કરે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ (NC)-કોંગ્રેસ ગઠબંધનને 35-40 અને ભાજપને 20-25 બેઠકોનું અનુમાન લગાવ્યું છે. એક્સિસ માય ઈન્ડિયા પોલ્સે NC-કોંગ્રેસને 35થી 45 બેઠકો આપી છે, જ્યારે ભાજપને 24થી-34 બેઠકો મળવાની શક્યતા દર્શાવી છે. પીપલ્સ પલ્સે એનસી-કોંગ્રેસ ગઠબંધનને 46-50 બેઠકો આપી છે, જ્યારે ભાજપને 23-27 બેઠક મળવાનો અંદાજ મૂક્યો છે. રિપબ્લિક-ગુલિસ્તાને ભાજપની 28-30ની સામે NC-કોંગ્રેસને 31-36 બેઠકો મળવાની આગાહી કરી છે. વિવિધ પોલ્સમાં પીડીપીને 5થી 12 બેઠકો મળવાની અને અન્ય પક્ષોને 4થી-16 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરી છે.
હરિયાણા 2019ની સરખામણીમાં ઓછું મતદાન
હરિયાણાની વિધાનસભાની 90 બેઠકો માટે શનિવારે યોજાયેલી ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં આશરે 64 ટકા મતદાન થયું હતું. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા નૂહમાં કેટલીક જગ્યાએ અથડામણ અને પથ્થરમારાના અહેવાલ મળ્યાં હતાં. 2019ની વિધાનસભા ચૂંટણીમાં હરિયાણામાં 69 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે 2014માં અત્યાર સુધીનું સૌથી વધુ 76.54 ટકા મતદાન હતું.
ભાજપ શાસિત આ રાજ્યમાં આશરે 2.03 કરોડ મતદાતાઓ કુલ 1,031 ઉમેદવારોના રાજકીય ભાવ ઇવીએમમાં સીલ કર્યા હતા. ફરીદાબાદ અને ગુરુગ્રામ જિલ્લામાં અનુક્રમે સૌથી ઓછું 52.5 અને 54.6 ટકા મતદાન નોંધાયું હતું.
હરિયાણામાં મુખ્ય સ્પર્ધા સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP), ઇન્ડિયન નેશનલ લોકદળ- બહુજન સમાજ પાર્ટી તથા જનનાયક જનતા પાર્ટી -આઝાદ સમાજ પાર્ટી (ASP)એ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી.