વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં ખાલિસ્તાની તરફી ટોળા દ્વારા મંદિર પરના હુમલાની ટીકા કરી હતી અને ત્યાંની સરકારને ન્યાય સુનિશ્ચિત કરવા અને કાયદાના શાસનને જાળવી રાખવાનો અનુરોધ કર્યો હતો.
X પરની એક પોસ્ટમાં મોદીએ ભારતીય રાજદ્વારીઓને ડરાવવાના “કાયરતાપૂર્ણ પ્રયાસો”ને પણ વખોડી કાઢતાં જણાવ્યું હતું કે હું કેનેડામાં હિંદુ મંદિર પર ઇરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયરતાપૂર્વકના પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાનાં આવા કૃત્યો ક્યારેય ભારતના સંકલ્પને નબળો પાડી શકશે નહીં.”તેમણે ઉમેર્યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડાની સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદાના શાસનને જાળવી રાખશે.
સત્તાવાર સૂત્રોએ નોંધ્યું હતું કે ભારત-કેનેડાના વણસેલા સંબંધો પછી મોદીનું આ પ્રથમ નિવેદન છે. આકરુ નિવેદન દર્શાવે છે કે મોદી વિશ્વભરના ભારતીયોની પડખે છે.
ખાલિસ્તાની ધ્વજ સાથે હુમલાખોરોએ બ્રેમ્પટનના એક હિન્દુ મંદિરમાં ભક્તો પર હુમલો કર્યો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેની નિંદા કરતાં જણાવ્યું હતું કે દરેક કેનેડિયનને મુક્તપણે અને સલામત રીતે પોતાના ધર્મનું પાલન કરવાનો હક છે.
કેનેડાના બ્રેમ્પટનમાં રવિવાર, 3 નવેમ્બરે હિન્દુ સભા મંદિરમાં હિન્દુ ભક્તો પર કથિત ખાલિસ્તાની તત્વોએ હુમલો કર્યો હતો. ખાલિસ્તાની ઝંડા સાથે હુમલાખોરોએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને તેનાથી નાસભાગ મચી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ ઘટનાથી હિંદુ સભા મંદિર અને ભારતીય વાણિજ્ય દૂતાવાસ દ્વારા સહ-આયોજિત કોન્સ્યુલર કાર્યક્રમમાં પણ વિક્ષેપ પડ્યો હતો.