ભારતના સ્પર્ધા પંચ (CCI) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની ઇન્ડિયા વચ્ચે મીડિયા એસેટ્સના 8.5 બિલિયન ડોલર (આશરે રૂ.70,000 કરોડ)ના મર્જરને બુધવારે મંજૂરી આપી હતી. આની સાથે ભારતમાં એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટસ ક્ષેત્રમાં 120 ટીવી ચેનલો સાથેની જાયન્ટ એન્ટરટેઇનમેન્ટ કંપનીના સર્જનનો માર્ગ મોકળો થયો હતો. છ મહિના પહેલાં આ ડીલ થઈ હતી અને સ્પર્ધા પંચે કેટલીક શરતો સાથે મંજૂરી આપી હતી.
સીસીઆઈએ કહ્યું હતું કે તેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વાયકોમ18 મીડિયા, ડિજિટલ18 મીડિયા, સ્ટાર ઈન્ડિયા અને સ્ટાર ટેલિવિઝન પ્રોડક્શન્સને સમાવતી દરખાસ્તને સ્વૈચ્છિક મોડિફિકેશન્સના પાલનને આધીન મંજૂરી આપી છે.
આ ડીલ અંતર્ગત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેની સહયોગી કંપનીઓ સંયુક્ત કંપનીમાં 63.16 ટકા હિસ્સો ધરાવશે જે બે સ્ટ્રીમિંગ સર્વિસીઝ અને 120 ટીવી ચેનલોનું સંચાલન કરશે. વોલ્ટ ડિઝનીનો આ સંયુક્ત કંપનીમ 36.84 ટકા હિસ્સો રહેશે જે દેશનું સૌથી મોટુ મીડિયા હાઉસ બનશે. રિલાયન્સ આ નવી કંપનીમાં રૂ.11,500 કરોડનું રોકાણ કરવા સંમત થઈ છે જે તેને જાપાનની સોની અને નેટફ્લિક્સ જેવી હરીફ સામે વધારે મજબૂત બનાવશે.
આ સંયુક્ત સાહસનું સુકાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી કરશે. ઉદય શંકર વાઈસ ચેરપર્સન રહેશે. તેઓ અગાઉ ડિઝનીના ટોચના એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યા છે. ઉદય શંકરનું જેમ્સ મર્ડોક સાથે બોધી ટ્રી નામનું સંયુક્ત સાહસ પણ છે.
અગાઉ સીસીઆઈએ આ ડીલ અંગે કેટલીક ચિંતાઓ રજૂ કરીને ક્રિકેટ બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ અને ઓટીટી પ્લેટફોર્મ અંગે સ્પષ્ટતા માગી હતી.
રિલાયન્સના મીડિયા વેન્ચર્સમાં નેટવર્ક 18 છે જેની અંતર્ગત ટીવી18 ન્યૂઝ ચેનલોનો સમાવેશ છે અને સંખ્યાબંધ એન્ટરટેઈનમેન્ટ ચેનલો (કલર્સ બ્રાન્ડ હેઠળ) અને સ્પોર્ટ્સ ચેનલોનો સમાવેશ છે. NW18 મનીકંટ્રોલડોટકોમમાં પણ હિસ્સો ધરાવે છે અને બૂકમાયશોમાં પણ હિસ્સો ધરાવે છે. તેની સબસિડરી NW18 આ ઉપરાંત CNBC/CNNNews ચેનલોની પણ માલિકી ધરાવે છે.