(PTI ફોટો)

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રનો બુધવાર, 21 ઓગસ્ટે પ્રારંભ થયો હતો. સરકારે પ્રથમ દિવસે અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું.  વિપક્ષ કોંગ્રેસે આ ટૂંકા સત્ર માટે સરકારની ટીકા કરી હતી અને લોકોના મુદ્દા અંગે ચર્ચા કરવાની માગણી કરી હતી. આ સત્ર 23 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી હતી અને માત્ર સરકારી બિલોની જ ચર્ચા કરાશે.

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારાને છથી સાત વર્ષની જેલ અને રૂ.50,000  સુધીનો દંડની જોગવાઈ છે. આ ઉપરાંત બિલમાં આવા આરોપીઓને જામીન નહીં આપવાની પણ જોગવાઈ છે. આ બિલ મુજબ માનવ બલિદાન, કાળા જાદુ, અઘોરી પ્રથાને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપનાર વ્યક્તિ ગુનેગાર બનશે.

કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ના નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સ્પીકર શંકર ચૌધરીને મળ્યાં હતા અને શોર્ટ નોટિસ પ્રશ્વોને નકારી કાઢવા અંગે ફરિયાદ કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 6 ઓગસ્ટના રોજ 21 ઓગસ્ટથી 15મી ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર બોલાવ્યું હતું.

આ ચોમાસુ સત્રમાં ગુજરાત નશાબંધ સુધારા વિધેયક-2024, સૌરાષ્ટ્ર ગણોત અને ઘરખેડ સુધારા વિધેયક-2024, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2024 અને ગુજરાત માનવ બલિદાન અને અધોરી પ્રથા-કાળા જાદુ અટકાવવા અને તેનુ નિર્મૂલન માટેના વિધેયકો રજૂ થશે. ચારેક  સુધારા વિધેયકો છે પણ એક માત્ર અઘોરીપ્રથા-કાળા જાદુ અટકાવવાનું વિધેયક નવી બાબત છે. વિપક્ષ પ્રથમ દિવસે રાજકોટ અગ્નિકાંડ, સાયકલ ખરીદી કૌભાંડ,  ફોરેસ્ટ ગાર્ડની ભરતી, બે આદિવાસી યુવકોની હત્યા સહિતના મુદ્દે દેખાવો કર્યા હતાં.

 

LEAVE A REPLY