Ambaji Melo
(Photo by SAM PANTHAKY/AFP/GettyImages)

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે પગપાળા યાત્રિકો માટે દર્શન, રહેવા જમવા સાથે પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ મેળાને પગલે ગબ્બર રૂટ, અંબાજી મંદિર, અંબાજીમાં પ્રવેશના ત્રણેય દ્વાર, ૫૧ શક્તિપીઠ સર્કલ, માર્ગ ઉપર માતાજીના સ્વરૂપ ઉપર થીમ આધારિત રોશની કરાઈ છે.

ભાદરવી સુદ આઠમના દિવસે યાત્રાધામના સિંહદ્વાર પાસે વિધિવત રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને વહીવટદાર દ્વારા મહામેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો અને જગતજનની મા અંબાના દર્શન કરી ધન્ય બન્યા હતાં.
સુરત, વડોદરા અને રાજકોટ સિવાય મુંબઈના પણ ઘણાં વિસ્તારોથી પગપાળા સંઘ અંબાજી દર્શને આવતા હોય છે. ત્યારે અંબાજી સુધીનું અંતર કાપવા માટે માઈ ભક્તોના સંઘ રવાના થઈ ચુક્યા છે.અંબાજીની નજીક બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા સહિતના વિસ્તારોમાં ભાદરવી અગિયારસથી સંઘ પ્રસ્થાન કરશે.

ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતો મેળો આ વર્ષે 12થી 18મી સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે. આ ભવ્ય મેળામાં પદયાત્રીઓ સહિત અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુ ઉમટી પડે તેવી શક્યતા છે. યાત્રાળુઓ માટે એક ક્યુઆર કોડ પણ તૈયાર કરાયો છે, જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે.

પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે. દાંતાથી અંબાજી આવતા પાન્છા ખોડિયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં, હડાદથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે આવેલી ખુલ્લી જગ્યામાં, જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યામાં, માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યામાં ડોમ યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની સુવિધા, અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, સામાન મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આ મેળાના ભાગરૂપે 15થી 17 સપ્ટેમ્બર ત્રણ દિવસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું સાંજે 7 વાગ્યાથી આયોજન કરાયું છે.

LEAVE A REPLY