કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડેનોકે ગુરુવારે નાગરિકતા માટેના નિયમો કડક કરીને સોસ્યલ બેનીફીટના મેળવતા લોકોને રહેઠાણના અધિકારોથી વંચિત રાખીને તમામ માઇગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવો હેઠળ, બેરોજગાર અને ઓછા પગારવાળા વિદેશી કામદારોને યુકેમાં પીઆરનો દાવો કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે અને તેમના મૂળ દેશોમાં પાછા ફરવાનો દરવાજો ખુલ્લો કરશે.

બેડેનોકે કહ્યું હતું કે “આપણો દેશ ડોરમેટરી નથી, તે આપણું ઘર છે. નાગરિકતા અને કાયમી રહેઠાણનો અધિકાર ફક્ત તે લોકોને જ મળવો જોઈએ જેમણે યુકે પ્રત્યે વાસ્તવિક પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમે ઇમિગ્રેશન વિશે કઠોર સત્યો જણાવીશું. આપણે નાગરિકતા મેળવવાનો માર્ગ ધીમો કરવાની જરૂર છે. યુકે પાસપોર્ટ એક વિશેષાધિકાર હોવો જોઈએ, સ્વયંસંચાલિત અધિકાર નહીં.”

વર્તમાન નિયમો હેઠળ દરેક વિદેશીઓએ ઇનડેફીનેટ લીવ ટૂ રીમેન (ILR) માટે અરજી કરવા માટે પાંચ વર્ષ સુધી સતત યુકેમાં રહેવું પડે છે અને 12 મહિના બાદ તેઓ બ્રિટિશ નાગરિકતા અને પાસપોર્ટ માટે અરજી કરી શકે છે.

બેડેનોકની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર ILR માટે લાયકાતનો સમયગાળો બમણો કરીને 10 વર્ષ કરવા માંગે છે. આ ILR એવા લોકોને જ અપાશે જેમણે કોઇ બેનીફીટ્સ કે ઘર માટે દાવો કર્યો હશે નહિં. વળી તેમણે દર્શાવવું પડશે કે તેમનું ઘર અર્થતંત્રમાં “ચોખ્ખો ફાળો આપનાર” હશે અને ગુનાહિત રેકોર્ડ ધરાવતી કોઈપણ વ્યક્તિને પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવશે.

2023માં નેટ માઇગ્રેશન 906,000ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યું છે ત્યારે બેડનોકે કહ્યું હતું કે ‘’લેબર સરકાર આવનારી આપત્તિનું નેતૃત્વ કરી રહી છે. સરહદ સુરક્ષા બિલ ખરેખર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે યુકેમાં રહેવાનું સરળ બનાવશે. ઇમિગ્રેશન બાબતે લેબર પર કોઇ વિશ્વાસ કરી શકતું નથી.”

LEAVE A REPLY