પાકિસ્તાનની એક કોર્ટે એક ખ્રિસ્તી વ્યક્તિને સોશિયલ મીડિયા પર “નિંદાજનક પોસ્ટ” પોસ્ટ કરવા બદલ મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ સોશિયલ પોસ્ટને પગલે મુસ્લિમોના ટોળાએ ગયા વર્ષે પંજાબ પ્રાંતમાં લઘુમતી સમુદાયના સભ્યોના ડઝનેક ચર્ચો અને ઘરોને બાળી નાંખ્યા હતા.
બે ખ્રિસ્તી યુવકોએ કુરાનનું અપમાન કર્યું હોવાના અહેવાલને પગલે ઓગસ્ટ 2023માં લાહોરથી લગભગ 130 કિમી દૂર ફૈસલાબાદ જિલ્લાના જરાંવાલા તાલુકામાં ઓછામાં ઓછા 24 ચર્ચ અને ખ્રિસ્તીઓના 80થી વધુ ઘરો સળગાવી દેવામાં આવ્યા હતાં.આ ઘટના બાદ પોલીસે 200થી વધુ મુસ્લિમોની અટકાયત કરી હતી પરંતુ રસપ્રદ બાબત એ છે કે તેમાંથી કોઈને હજુ સુધી દોષિત ઠેરવવામાં આવ્યાં નથી. તેના બદલે 188ને અદાલતે તેમની વિરુદ્ધ પુરાવાના અભાવે અથવા જામીન પર મુક્ત કર્યા છે.
આતંકવાદ વિરોધી અદાલતના વિશેષ ન્યાયાધીશ (સાહિવાલ) ઝિયાઉલ્લા ખાને શનિવારે અહેસાન રાજા મસીહને મૃત્યુદંડની સજા સંભળાવી હતી અને તેના પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેને પાકિસ્તાન પીનલ કોડ (PPC), આતંકવાદ વિરોધી ધારો (ATA) અને પ્રિવેન્શન ઓફ ઈલેક્ટ્રોનિક ક્રાઈમ્સ એક્ટ (PECA)ની વિવિધ કલમો હેઠળ કુલ 22 વર્ષની જેલની સજા પણ કરવામાં આવી હતી.
ઓલ માઈનોરિટી એલાયન્સના અધ્યક્ષ અકમલ ભાટીએ જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ વીતી જવા છતાં ડઝનબંધ ચર્ચો અને ખ્રિસ્તીઓના ઘરોને સળગાવવાના કેસોમાં મુસ્લિમ આરોપીઓને હજુ કોઇ સજા થઈ નથી.
પાકિસ્તાનમાં ધર્મનિંદાના આરોપો સામાન્ય છે. દેશના ઈસ્લામ અને ઈસ્લામિક ધાર્મિક વ્યક્તિઓનું અપમાન કરવા બદલ દોષિત ઠરનાર કોઈપણ વ્યક્તિને મૃત્યુદંડની સજા થઈ શકે છે.
2021માં પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં 96.47 ટકા મુસ્લિમો છે, ત્યારબાદ 2.14 ટકા હિંદુઓ, 1.27 ટકા ખ્રિસ્તીઓ, 0.09 ટકા અહમદી મુસ્લિમો અને 0.02 ટકા અન્ય છે.