સુપ્રીમ કોર્ટે મંગળવારે રૂ.3600 કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ કેસમાં કથિત દલાલ અને બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને જામીન આપ્યા છે. જેમ્સ છેલ્લાં છ વર્ષથી કસ્ટડીમાં છે અને આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. આ મામલો 12 VVIP હેલિકોપ્ટરની ખરીદી સાથે સંબંધિત છે.
ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે નોંધ્યું હતું કે જેમ્સ છેલ્લાં છ વર્ષથી જેલમાં છે અને હજુ તપાસ ચાલે છે. તેને ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્ધારિત કરાયેલી શરતોને આધિન મુક્ત કરવામાં આવે છે.
સીબીઆઈ અને ઈડી વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદીમાં મિશેલની ભૂમિકાની તપાસ કરી રહી છે. દુબઈથી પ્રત્યાર્પણ પછી ડિસેમ્બર 2018માં તેની ધરપકડ કરાઈ હતી. સીબીઆઈ અને ઈડીએ અગસ્તા વેસ્ટલેન્ડને લઈને બે અલગ-અલગ કેસ દાખલ કરેલા છે. માર્ચ 2022માં દિલ્હી હાઈકોર્ટે મિશેલની જામીન અરજી ફગાવી હતી. મિશેલ જેમ્સે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.VVIP હેલિકોપ્ટર ડીલને કરવા માટે ભારતમાં રાજકારણીઓ, અધિકારીઓ અને પત્રકારોને પ્રભાવિત કરવા માટે અગસ્તા વેસ્ટલેન્ડ દ્વારા જેમ્સને કથિત રીતે રાખવામાં આવ્યો હતો.તે ત્રણ વચેટિયાઓમાંથી એક છે જેમના પર કોન્ટ્રાક્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે બહુવિધ લોકોને લાંચ આપવાનો આરોપ છે.
