પ્રતિકાત્મક તસવીર (istockphoto)
અમેરિકા સાથે ટેરિફ વોરને પગલે ચીનની ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ ભારતની કંપનીઓને નવા સોર્સિંગ કોન્ટ્રાક્ટના ભાગરૂપે 5 ટકા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની પ્રોડક્ટ્સ પર જંગી 125 ટકા ટેરિફ લાદી છે અને ભારત પરની રેસિપ્રોકલ ટેરિફ પર 3 મહિનાની બ્રેક મુકી છે.
ટ્રેડ વોરને કારણે ચીનની કંપનીઓના નવા ઓર્ડરમાં મોટો ઘટાડો થયો છે. અમેરિકામાં ચીની પ્રોડક્ટ્સનું વેચાણ કરવાનું લગભગ મુશ્કેલ બન્યું છે. ભારતની કંપનીઓને ઓફર કરવામાં આવતું આ ડિસ્કાઉન્ટ ઘણું મોટું છે, કારણ કે ઇલેક્ટ્રોનિકસ ઇન્ડસ્ટ્રીમાં માર્જિન 4થી 7 ટકા જેટલાં પાતળા હોય છે. આનાથી ભારતીય કંપનીઓના નફામાં વધારો થશે. આ ઉપરાંત ભારતમાં ટીવી, ફ્રીજ અને સ્માર્ટફોનના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે.
ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રુપના એપ્લાયન્સ બિઝનેસના વડા કમલ નંદીએ જણાવ્યું હતું કે ચીનના કમ્પોનન્ટ ઉત્પાદકો પર પ્રચંડ દબાણ છે. યુએસમાંથી નિકાસ ઓર્ડર ધીમા પડતાં કિંમતો અંગે ફરીથી વાટાઘાટો કરવામાં આવશે.
ટેલિવિઝન કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર સુપર પ્લાસ્ટ્રોનિક્સના ચીફ એક્ઝિક્યુટિવ અવનીત સિંહ મારવાહના મતે, ચીની ઉત્પાદકો સરપ્લસની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચીની કંપનીઓમાં ગભરાટ છે. ચીનથી યુએસ નિકાસ શિપમેન્ટ રોકી દેવામાં આવ્યા છે. ભારતીય કંપનીઓ અને ચીની પાર્ટ ઉત્પાદકો કિંમતોમાં 5% સુધીનો ઘટાડો કરવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.
હાલમાં ભારત ચિપ્સ, કોમ્પ્રેસર, ઇનર ગ્રુવ્ડ કોપર ટ્યુબ, ઓપન સેલ ટેલિવિઝન પેનલ્સ, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, બેટરી સેલ, ડિસ્પ્લે મોડ્યુલ્સ, કેમેરા મોડ્યુલ્સ અને ફ્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ સહિત ઇલેક્ટ્રોનિક ઘટકોની આયાત કરે છે.ડિક્સન ટેક્નોલોજીસના મેનેજિંગ ડિરેક્ટર અતુલ લાલે જણાવ્યું હતું કે યુએસ બજારમાં નરમાઈ અને માંગમાં ઘટાડો થવાથી કમ્પોનન્ટના ભાવમાં ઘટાડો થશે. ડિક્સન દર 15-30 દિવસે તેની કમ્પોનન્ટ ઇન્વેન્ટરી અપડેટ કરે છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના ડિરેક્ટર તરુણ પાઠક  જણાવે છે કે વધુ પડતા પુરવઠાને કારણે સ્માર્ટફોન કમ્પોનન્ટના ભાવ ઘટશે.

LEAVE A REPLY