(Photo by KEN ISHII/POOL/AFP via Getty Images)

બ્રિક્સ સંગઠનના સભ્ય દેશ બ્રાઝિલે ચીનના અબજો ડોલરના મહત્ત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ (BRI)માં ન જોડવાનો નિર્ણય કર્યો હતો. ચીનના આ પ્રોજેક્ટ્સમાં સામેલ ન થનારા બ્રાઝિલ ભારત પછી બીજો બિક્સ દેશ બન્યો છે. અગાઉ ઇટાલીએ પણ આ પ્રોજેક્ટ્સમાં ખસી જવાની જાહેરાત કરી હતી. તેનાથી ચીનને મોટો ફટકો પડ્યો હતો.

બ્રાઝિલના આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રેસિડન્ટના વિશેષ સલાહકાર સેલ્સો એમોરિમે સોમવારે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ લુલા દા સિલ્વાના નેતૃત્વમાં બ્રાઝિલ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ)માં જોડાશે નહીં અને તેના બદલે ચીનના રોકાણકારો સાથે સહયોગ કરવા માટે વૈકલ્પિક માર્ગો શોધશે. બ્રાઝિલ આ અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા વગર ચીન સાથેના સંબંધોને નવા સ્તરે લઈ જવા માંગે છે, અમે કોઈ સંધિ કરી રહ્યાં નથી.

અહીં ઉલ્લેખનીય છે કે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ 20 નવેમ્બરે બ્રાઝિલની સત્તાવાર મુલાકાતે જવાના છે અને તેઓ આ પ્રોજેક્ટમાં બ્રાઝિલની હિસ્સેદારીની જાહેરાત કરવાના હતાં. જોકે તે પહેલા બ્રાઝિલે ચીનને આંચકો આપ્યો હતો.
બ્રાઝિલના અર્થતંત્ર અને વિદેશી બાબતોના મંત્રાલયોના અધિકારીઓએ તાજેતરમાં આ પ્રોજેક્ટ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ બંને મંત્રાલય માને છે કે ચીનના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં જોડાવાથી તાત્કાલિક લાભ નહીં મળે અને સંભવિત ટ્રમ્પ સરકાર સાથેના સંબંધો જટિલ બનશે.

યા અઠવાડિયે સેલ્સો એમોરિમે અને પ્રમુખ લુલાના ચીફ ઓફ સ્ટાફ રુઇ કોસ્ટા આ પ્રોજેક્ટની ચર્ચાવિચારણા કરવા બેઇજિંગ ગયાં હતાં. જોકે ચીનની દરખાસ્તોથી પ્રભાવિત થયા વગર પરત આવ્યાં હતાં.

આ પ્રોજેક્ટ સામે વાંધો વ્યક્ત કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ હતો. ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો દ્વારા ચીનના વૈશ્વિક પ્રભાવમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે આ પ્રોજેક્ટ આગળ ધપાવી રહ્યાં છે. ભારતે $60 બિલિયન ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)નો વિરોધ કર્યો છે જે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થાય છે.

LEAVE A REPLY