ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોપાવર ડેમ બનાવવાની એક યોજનાને તાજેતરમાં મંજૂરી આપી હતી. અંદાજે 137 બિલિયન ડોલરનો પૃથ્વી પરનો આ સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ભારત અને બાંગ્લાદેશના બ્રહ્મપુત્ર નદીના વિસ્તારના લાખ્ખો લોકો પ્રભાવિત થવાની ધારણા છે. બ્રહ્મપુત્રા નદી તિબેટમાંથી ભારતના અરુણાચલપ્રદેશ અને પછી બાંગ્લાદેશમાં વહે છે.આ ડેમથી ચીન બ્રહ્મપુત્રા નદીના પાણી પર નિયંત્રણ મેળવી શકશે. 2023ના રીપોર્ટ મુજબ ડેમ પરના હાઇડ્રોપાવર સ્ટેશનમાં દર વર્ષે 300 અબજ કિલોવોટ અવર (kWh) યુનિટ વીજળીનું ઉત્પાદન થશે. તેનાથી દર વર્ષે 30 કરોડ લોકોની ઊર્જાની જરૂરિયાત પૂરી કરી શકાય છે.
ચીન સરકારની ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ સત્તાવાર નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે ચીનની સરકારે યાર્લુંગ ઝાંગબો નદીના નીચાણવાળા વિસ્તારોમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. બ્રહ્મપુત્રા નદી તિબેટમાં યાર્લુંગ ઝાંગબો તરીકે ઓળખાય છે.
આ ડેમ હિમાલયના એક વિશાળ ઘાટ પર બાંધવામાં આવશે. આ જગ્યાથી બ્રહ્મપુત્રા નદી એક વિશાળ યુ-ટર્ન લઇને અરુણાચલપ્રદેશ અને પછી બાંગ્લાદેશમાં વહે છે. ડેમમાં કુલ રોકાણ એક ટ્રિલિયન યુઆન (137 બિલિયન ડોલર)થી પણ વધુ થવાનો અંદાજ છે, જે વિશ્વના કોઇ પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પરનો સૌથી વધુ ખર્ચ હશે. હાલમાં ચીનનો થ્રી ગોર્ગિસ ડેમ વિશ્વનો સૌથી મોટો ડેમ માનવામાં આવે છે. આમ ડેમ નિર્માણમાં ચીન તેનો પોતાનો રેકોર્ડ તોડીને પડોશી દેશ માટે મુશ્કેલી ઊભી કરી છે. અગાઉ ચીને 2015માં તિબેટમાં સૌથી મોટું 1.5 અબજ ડોલરનું ઝામ હાઇડ્રોપાવર સ્ટેશન કાર્યરત કર્યું હતું.
આ ડેમથી ચીન બ્રહ્મપુત્રા નદીના પાણીના પ્રવાહને નિયંત્રિત કરી શકશે. આ ઉપરાંત ચીન આ ડેમમાંથી પુષ્કળ માત્રામાં પાણી છોડીને ભારતના વિસ્તારોમાં પૂર જેવી આપત્તિ લાવી શકે છે. ભારત પણ અરુણાચલપ્રદેશમાં બ્રહ્મપુત્રા પર ડેમનું નિર્માણ કરી રહ્યું છે. ચીનની યોજનાથી આ ડેમ અંગે પણ ચિંતા ઊભી થઈ શકે છે.
પ્રોજેક્ટનો બચાવ બુધવારે સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે તેનાથી નવી વિકાસ પેટર્ન બનાવવા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા વિકાસને આગળ ધપાવવાના દેશના પ્રયાસોને વેગ મળશે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ એક ગ્રીન પ્રોજેક્ટ છે, જેનો હેતુ લો-કાર્બન ઉત્સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. યાર્લુંગ ઝાંગબો નદીના વિપુલ પ્રમાણમાં હાઇડ્રોપાવર સંસાધનોનો ઉપયોગ કરીને, આ પ્રોજેક્ટ આસપાસના વિસ્તારોમાં સૌર અને પવન ઉર્જા સંસાધનોના વિકાસને પણ વેગ આપશે. આમ આ આ પ્રોજેક્ટ જળ, પવન અને સૌર ઉર્જાનું મિશ્રણ હશે.