ચીની બાબતોના નિષ્ણાત ગણાતા અનુભવી રાજદ્વારી વિક્રમ મિસરીએ સોમવાર, 15 જુલાઇએ ભારતના નવા વિદેશ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 1989-બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી વિક્રમ મિસરી નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે સેવા આપતા હતાં. હવે વિદેશ સચિવ તરીકે તેમણે વિનય ક્વાત્રાનું સ્થાન લીધું છે.
તેમણે વિદેશ મંત્રાલય (MEA), વડાપ્રધાન કાર્યાલયમાં અને યુરોપ, આફ્રિકા, એશિયા અને ઉત્તર અમેરિકામાં વિવિધ ભારતીય મિશનમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી છે. ત્રણ વડાપ્રધાનો ઈન્દર કુમાર ગુજરાલ, મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે સેવા આપવાનું તેઓ અનોખું ગૌરવ ધરાવે છે.
ડેપ્યુટી NSA તરીકે નિયુક્ત થયા તે પહેલાં તેમણે 2019-2021 સુધી ચીનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી હતી. જૂન, 2020માં ગલવાન ખીણમાં થયેલી અથડામણને પગલે તણાવ ભડક્યા બાદ મિસરીએ ભારત અને ચીન વચ્ચેની વાટાઘાટોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.મિસરીનો જન્મ શ્રીનગરમાં થયો હતો અને તેમનું પ્રારંભિક શિક્ષણ ત્યાં (બર્ન હોલ સ્કૂલ અને ડીએવી સ્કૂલ) તેમજ જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર (કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ)માં થયું હતું.