હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપરે ગુરુવારે હાઉસ ઓફ કોમન્સમાં ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝના ગુનાઓ પાછળના “સાંસ્કૃતિક અને સામાજિક પરિબળો” નક્કી કરવા માટે વંશીયતાના ડેટાની તપાસ સહિત, ગેંગ આધારિત ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝના વ્યાપ અને પ્રકૃતિનું “ઝડપી ઓડિટ” કરવાનો આદેશ આપ્યો છે.

તેમણે કહ્યું હતું કે “ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ ટાસ્કફોર્સ વંશીયતા ડેટાની તાત્કાલિક વિસ્તૃત તપાસ કરશે. ઘણી મોટી તપાસમાં પાકિસ્તાની હેરિટેજ ગેંગ્સ સામેલ છે અને પોલીસ ટાસ્કફોર્સના પુરાવા પણ દર્શાવે છે કે શોષણ અને દુર્વ્યવહાર ઘણા વિવિધ સમુદાયો અને વંશીય જૂથોમાં થઈ રહ્યા છે. પરંતુ ગુનેગારો અને પીડિતોની વંશીયતા અંગેનો ડેટા હજુ પણ અપૂરતો છે. મેં બેરોનેસ લુઇસ કેસીને દેશભરમાં ગેંગ-આધારિત શોષણના વર્તમાન વ્યાપ અને પ્રકૃતિનું ઝડપી ઓડિટ કરવા અને જરૂરી આગળના કાર્ય પર ભલામણો કરવા કહ્યું છે. તેઓ વંશીયતાના ડેટા, સામેલ ગેંગ અને તેમના પીડિતોની વસ્તી વિષયક માહિતીની યોગ્ય રીતે તપાસ કરશે અને તે વિવિધ વંશીય જૂથો સહિત આ પ્રકારના અપરાધ માટે સાંસ્કૃતિક અને સામાજિક ડ્રાઇવરો પર નજર રાખશે.”

શેડો હોમ સેક્રેટરી, કન્ઝર્વેટિવ સાંસદ ક્રિસ ફિલ્પે જણાવ્યું હતું કે ‘’સત્તાવાળાઓએ ઐતિહાસિક રીતે બાળ જાતીય શોષણને લગતા વંશીયતા સંબંધિત ડેટાને અવગણ્યો છે અથવા છુપાવ્યો છે. હજારો યુવાન છોકરીઓ પર, ઘણીવાર તેમની કિશોરાવસ્થામાં મુખ્યત્વે પાકિસ્તાની વારસાના પુરુષોની ગેંગ દ્વારા વ્યવસ્થિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. હોદ્દા પર રહેલા લોકો,  પોલીસ, સ્થાનિક કાઉન્સિલ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે તેમને અવગણ્યા હતા અને કહેવાતી સાંસ્કૃતિક સંવેદનશીલતા વિશેની વાહિયાત ચિંતાઓને કારણે આ ભયાનક ગુનાઓને પણ છુપાવ્યા હતા.”

હોમ ઓફિસે કહ્યું હતું કે ‘’ઝડપી રાષ્ટ્રીય ઓડિટ ટૂંક સમયમાં શરૂ થશે અને ત્રણ મહિના ચાલશે. તેને નિષ્ણાત સલાહકાર બોર્ડ દ્વારા સમર્થન આપવામાં આવશે અને પીડિતો અને બચી ગયેલા લોકોના મંતવ્યો લેવામાં આવશે. આ કાર્ય માટે £2.5 મિલિયનનું ભંડોળ આપવામાં આવશે. સત્તાવાર અંદાજ મુજબ, 2023માં પોલીસ દ્વારા નોંધાયેલા 115,000 ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ અને દુર્વ્યવહારના ગુનાઓમાંથી, 4,000 થી વધુ ગેંગ આધારિત ગુનાઓ હતા. તેમાંથી, લગભગ 1,100 પરિવારમાં દુર્વ્યવહાર અને 300 થી વધુ સંસ્થાઓમાં દુર્વ્યવહારનો સમાવેશ થતો હતો, જ્યારે તેમાંથી 700 થી વધુ જૂથ-આધારિત ગ્રૂમિંગ ગેંગ ગુનાઓ હતા.’’

LEAVE A REPLY