(PTI Photo)

મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતાં અને  મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે ભારે વરસાદથી અસરગ્રસ્ત  સાત જિલ્લાઓના કલેક્ટરો  અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી. આ સાથે જ અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે તેમણે માહિતી મેળવી હતી.

મુખ્યપ્રધાને પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામોને અગ્રતાએ આપવાના આદેશ કર્યા હતા. વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યપ્રધાને મેળવી હતી. માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરાએ પુનઃવાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ-થાંભલા વગેરેની આડશો હટાવવા જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી.

 

LEAVE A REPLY