(ANI Photo)

શનિવારે કોલકાતામાં ભવ્ય ઉદઘાટન સમારંભ પછી રવિવારે ચેન્નાઈમાં આઈપીએલ 2025માં બે ધૂરંધર ટીમો – ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલામાં ચેન્નાઈની ટીમે વિજયી આરંભ કર્યો હતો, તો મુંબઈ ઈન્ડિયન્સે વધુ એક વખત તેની સીઝનની પ્રથમ મેચમાં પરાજયની લાંબી પરંપરા જાળવી રાખી હતી.

ચેન્નાઈના સુકાની ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતી મુંબઈને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને તેનો એ જુગાર સફળ રહ્યો હતો. રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વિના વિદાય થયો હતો, તો રિકનટન અને વિલ જેક્સ પણ ખાસ કઈં કરી શક્યા નહોતા. મુંબઈએ પાંચમી ઓવરમાં તો 36 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી, એ પછી સુકાની સૂર્યકુમાર અને તિલક વર્માએ થોડી બાજી સંભાળી હતી, પણ 51 રનની ભાગીદારી પછી એ બન્ને પણ ઝડપથી વિદાય થયા હતા. યાદવે 29, તિલક વર્માએ 31 અને પછી દીપક ચાહરે 28 રનનો નોંધપાત્ર ફાળો આપ્યો હતો. મુંબઈએ એકંદરે 9 વિકેટે 155 રનનો સાધારણ સ્કોર કર્યો હતો, તો ચેન્નાઈ તરફથી નૂર એહમદે 18 રનમાં ચાર અને ખલીલ એહમદે 29 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.

જવાબમાં ચેન્નાઈએ પણ રાહુલ ત્રિપાઠીની વિકેટ તો સસ્તામાં ગુમાવી હતી, પણ એ પછી ઓપનર રચિન રવીન્દ્ર અને સુકાની ઋતુરાજ ગાયકવાડે ધમાકેદાર બેટિંગ કરી 6.1 ઓવરમાં 67 રન ખડકી દીધા હતા. ગાયકવાડ 26 બોલમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 53 રન કરી વિદાય થયો હતો, તો રચિન રવીન્દ્ર 45 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 65 રન કરી અણનમ રહ્યો હતો. ચેન્નાઈએ 19.1 ઓવરમાં છ વિકેટે 158 કરી ચાર વિકેટે વિજય નોંધાવ્યો હતો.

ચેન્નાઈના બોલર નૂર એહમદને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો, તો મુંબઈના નવોદિત બોલર વિગ્નેશ પુથુરે 32 રન આપી ત્રણ વિકેટ લીધી હતી અને ચેન્નાઈને થોડી ચિંતાજનક સ્થિતિમાં તો લાવી જ દીધી હતી. તેની પ્રથમ મેચમાં જ આવી પ્રભાવશાળી બોલિંગ બદલ ધોનીએ પણ તેની પીઠ થાબડી હતી.

LEAVE A REPLY