મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન પછી હવે ગુજરાતના ગુજરાતના બન્ની ઘાસના મેદાનોમાં પણ ચિત્તા લાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાસણમાં સાતમી નેશનલ બોર્ડ ઑફ વાઇલ્ડલાઇફ (NBWL)ની બેઠકમાં આ જાહેરાત કરી હતી. જોકે ચિત્તા ક્યારે અને કેટલી સંખ્યામાં લાવવામાં આવશે તેની સ્પષ્ટતા કરી ન હતી.
સપ્ટેમ્બર 2022 અને ફેબ્રુઆરી 2023માં કુનો નેશનલ પાર્કમાં બે તબક્કામાં આફ્રિકન ચિત્તાઓને લાવવામાં આવ્યાં હતાં. વડાપ્રધાને જાહેરાત કરી હતી કે મધ્યપ્રદેશમાં ગાંધીસાગર અભયારણ્ય અને ગુજરાતમાં બન્ની ઘાસના મેદાનો સહિત અન્ય વિસ્તારોમાં ચિત્તા માટે વસવાટ ઊભો કરાશે.
બન્ની ઘાસના મેદાનો ગુજરાતના કચ્છ જિલ્લામાં 2,500 ચોરસ કિલોમીટરનું સંરક્ષિત જંગલ છે, જે બન્ની ભેંસ, કાંકરેજ ઢોર, ઘેટાં, બકરા, ઊંટ અને ઘોડા જેવા અસંખ્ય પ્રાણીનો વસવાટ છે. આ ઘાસના મેદાનો 250થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ માટે સંવર્ધન કેન્દ્ર પણ છે.
ભારતમાં 1952માં ભારતમાં ચિત્તાને વિલુપ્ત પ્રાણી તરીકે જાહેર કરી દેવાયું હતું. ગુજરાતમાં છેલ્લે વિસાવદરમાં વર્ષ 1940માં અને કચ્છમાં ઈ.સ 1839 અને ઈ.સ 1872માં ચિત્તાની નોંધપાત્ર હાજરી નોંધવામાં આવી હતી. રાજ્ય સરકારે કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય મોકલ્યો હતો. હતો.
