બર્મિંગહામના હેમસ્ટેડ રોડ પર રહેતા કાલદીપ સિંહ લેહલ અને તેની બહેન રાજબિન્દર કૌરને ચેરિટી શીખ યુથ યુકે (SYUK)  સાથે છેતરપિંડી કરવા બદલ સજા ફટકારવામાં આવી હતી.

બર્મિંગહામ ક્રાઉન કોર્ટે 55 વર્ષીય રાજબિન્દર કૌરને ચોરીના છ ગુના, મની લોન્ડરિંગના એક અને ચેરિટી કમિશનને ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી પૂરી પાડવાના એક ગુના માટે બે વર્ષ અને આઠ મહિનાની સજા ફટકારી હતા. જ્યારે તેના 44 વર્ષીય ભાઈ કાલદીપ સિંહ લેહલને ચેરિટી કમિશનને ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી પૂરી પાડવા બદલ દોષિત ઠેરવી ચાર મહિનાની 18 મહિના માટે સસ્પેન્ડેડ સજા ફટકારવામાં આવી હતી.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે કૌરે 2016માં શીખ યુથ યુકે (SYUK) ની સ્થાપના કરી ચેરિટી તરીકે નોંધણી કરાવવા માટે અરજી કરી હતી. તેઓ જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયા પછી ચેરિટી કમિશને અરજી બંધ કરી દીધી હતી. પરંતુ કૌર અને તેના ભાઈએ તે કાયદેસર ચેરિટી હોય તેમ ભંડોળ ઊભું કરવાના કાર્યક્રમો ચાલુ રાખ્યા હતા.

કૌરે પોતાના દેવા ચૂકવવા માટે SYUK બેંક ખાતામાંથી પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા, અને પરિવારના સભ્યોને પણ પૈસા મોકલ્યા હતા. ચોરાયેલા નાણાંના પ્રવાહને છુપાવવા માટે તેણીએ 50થી વધુ બેંક ખાતા ખોલાવ્યા હતા. કૌર સ્થાનિક લોકો દ્વારા સારા હેતુ માટે દાન કરાયેલા મોટા પ્રમાણમાં પૈસા ચોરી રહી હતી.

કૌરે બેંકમાં કામ કર્યું હોવા છતાં નાણાકીય બાબતોમાં પોતાને ભોળી વ્યક્તિ તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જુલાઈ 2019માં આ જોડીની ધરપકડ કર્યા બાદ સપ્ટેમ્બર 2019માં તેમના પર આરોપ મૂકાયો હતો. છેતરપિંડીની આ ખૂબ જ લાંબી અને જટિલ તપાસ બાદ બર્મિંગહામ ક્રાઉન કોર્ટે એક ટ્રાયલ પછી આ બંનેને દોષિત ઠેરવ્યા હતા.

LEAVE A REPLY