મૂળ સૌરાષ્ટ્રના વઢવાણના વતની અને હાલ લંડનના ઇસ્ટકોટ ખાતે રહેતા તથા ‘ગરવી ગુજરાત’ સાપ્તાહિકમાં લાગલગાટ 20 વર્ષ સુધી પત્રકાર તરીકે સેવા આપનાર અગ્રણી પત્રકાર શ્રી ચંદ્રકાન્તભાઇ જટાશંકર દવેનું તા. 17 જૂનના રોજ સોમવારે કાંદીવલી (મુંબઈ) મુકામે તેમની પુત્રી અને પરિવારની હાજરીમાં ઘરે જ હરિસ્મરણ કરતા 93 વર્ષની વયે નિધન થયું હતું.
દવે કાકાના નામે ઓળખાતા અને સ્વ. અરૂણાબેન દવેના પતિ શ્રી ચંદ્રકાન્તભાઇ દવે ‘ગરવી ગુજરાત’માં સોવાઓ આપ્યા બાદ વયને કારણે 87 વર્ષની વયે નિવૃત્ત થયા હતા. તેઓ ચાર માસ પહેલા બીમાર થતા તેમને વોટફર્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબિયત સુધરતા એપ્રિલમાં પુત્રી ડૉ. અમિતાબેન તેમને પોતાની પાસે મુંબઇ, ભારત લઇ ગયા હતા. વયના કારણે તબિયત નરમગરમ રહેતી હોવા છતાય તેમણે હોસ્પિટલમાં દાખલ થવાના બદલે ઘરે જ રહેવાનું પસંદ કર્યું હતું.
‘ગરવી ગુજરાત’માં જોડાતા પહેલા તેમણે ઇસ્ટકોટમાં કન્વીનીયન્સ શોપ ચલાવી હતી અને ભાષા અને સાહિત્ય પરત્વેના પ્રેમને કારણે તેઓ પત્રકારત્વમાં જોડાયા હતા.
તેઓ પોતાની પાછળ પુત્રી ડો. અમીતા, જમાઇ ડૉ. અરવિંદ મહેતા, 2 દોહિત્રીઓ ડો. ઉર્વી જય ભટ્ટ અને ડો. ક્રિષ્ના, 2 પ્રપૌત્રીઓ, ભાઇ ચંદ્રકાન્ત સુખલાલ સત્રા, ભાભી વિદ્યાબેન સત્રા તથા વિશાળ પરિવારને વિલાપ કરતી મૂકી ગયા છે.
પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચિર શાંતિ અર્પે એવી ‘ગરવી ગુજરાત’ પરિવારની પ્રાર્થના. પ્રાર્થના સભા તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
સંપર્ક: હિરેન સત્રા +44 7814 966062.