દેશભરતામાં રવિવાર, 26 જાન્યુઆરીએ 76મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની લશ્કરી તાકાત, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તથા વિરાસત અને વિકાસના સંગમની ઝાંખી જોવા મળી હતી. રાષ્ટ્રે 26 જાન્યુઆરીએ બંધારણના અમલની ‘પ્લેટિનમ જ્યુબિલી’ પણ ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિઆન્તો મુખ્ય અતિથિ બન્યા હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76માં ગણતંત્ર દિવસ પર કર્તવ્ય પથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સવારે રાષ્ટ્રીય સલામી સાથે પરેડનો પ્રારંભ થયો હતો, જે ભારતની વિરાસત અને વિકાસની યાત્રા દર્શાવતી હતી. 300 સાંસ્કૃતિક કલાકારો દ્વારા ‘સારે જહાં સે અચ્છા’ સાથે પરેડનો પ્રારંભ થયો હતો.
પરેડની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સલામી લીધા પછી તરત જ થઈ હતી. રાષ્ટ્રપતિ સુબિયાયાન્તો કર્તવ્ય પથ પર “પરંપરાગત બગી”માં પહોંચ્યા હતાં.વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, અન્ય કેટલાક કેન્દ્રીય પ્રધાનો, દેશના ટોચના લશ્કરી અધિકારીઓ, વિદેશી રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ કર્તવ્ય પથ પર ઉપસ્થિત રહ્યાં હતાં.
વિવિધ ઝાંખીની થીમ ‘સ્વર્ણિમ ભારતઃ વિરાસત ઔર વિકાસ’ હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 16 ઝાંખીઓ તથા કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને સંગઠનોની 15 ઝાંખી સાથે દેશની વિવિધતામાં એકતાની ઉજવણી કરાઈ હતી.
પ્રજાસત્તાક દિનની પરેડમાં બ્રહ્મોસ, પિનાકા અને આકાશ સહિત અત્યાધુનિક મિસાઇલ સિસ્ટમ, આર્મીની બેટલ સર્વેલન્સ સિસ્ટમ ‘સંજય’ અને DRDOની ભૂમિ પરથી ભૂમિ પર પ્રહાર કરતી વ્યૂહાત્મક મિસાઈલ ‘પ્રલય’ સાથે સાથે દેશની લશ્કરી તાકાતનું પ્રદર્શન કરાશે. T-90 ‘ભીષ્મ’ ટેન્ક, સારથ (પાયદળ વ્હિકલ BMP-II), શોર્ટ સ્પાન બ્રિજિંગ સિસ્ટમ 10m, નાગ મિસાઈલ સિસ્ટમ, મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ ‘અગ્નિબાન’ અને ‘બજરંગ’ (લાઇટ સ્પેશ્યાલિસ્ટ વ્હિકલ) પણ પરેડનો હિસ્સો બની હતી.
પરેડમાં પ્રથમ વખત આર્મી, એરફોર્સ, નેવી એમ ત્રણેય લશ્કરી દળોની ઝાંખી રજૂ કરાઈ હતી, જે ત્રણેય સશસ્ત્ર દળો વચ્ચેના તાલમેલનું પ્રદર્શન કરતી હતી. આ ઝાંખીમાં યુદ્ધભૂમિની સ્થિતિનું નિરૂપણ કરાયું હતું, જેમાં સ્વદેશી અર્જુન યુદ્ધ ટેન્ક, તેજસ યુદ્ધ વિમાન અને હેલિકોપ્ટર સાથે સશસ્ત્ર દળોએ જમીન, પાણી અને હવામાં એકસાથે તેમની ક્ષમતાનો પરચો આપ્યો હતો. આ ઝાંખીની થીમ ‘સશક્ત ઓર સુરક્ષિત ભારત’ હતી. આ ઉજવણીમાં C-130J સુપર હર્ક્યુલસ, C-17 ગ્લોબમાસ્ટર, મિગ-29 અને Su-30 સહિત યુદ્ધવિમાનો સામેલ કરાયા હતા.
આ 26 જાન્યુઆરીનું વિશેષ મહત્વ હતું, કારણ કે 1950માં આ ઐતિહાસિક દિવસે અમલમાં આવેલ ભારતના બંધારણે 75 વર્ષ પૂર્ણ કર્યા હતા. 26 નવેમ્બર, 1949એ બંધારણ સભાએ બંધારણ અપનાવ્યું હતું.