ઇઝરાયેલના રામત ગાનમાં શેબા મેડિકલ સેન્ટરમાં મુક્ત થયેલ રોમી ગોનેન પ્રિયજનોને મળ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. Maayan Toaf/GPO/Handout via REUTERS

ગાઝામાં આશરે 15 મહિનાના લોહિયાળ જંગ પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ વચ્ચે રવિવાર, 19 જાન્યુઆરીથી યુદ્ધવિરામ અમલી બન્યો હતો. હમાસે ઇઝરાયેલના ત્રણ બંધકોને મુક્ત કર્યા હતા, જ્યારે ઇઝરાયેલે 90 પેલેસ્ટાઇન કેદીને મુક્ત કર્યા હતા. મુક્ત કરાયેલા ત્રણ ઇઝરાયેલી બંધકોમાં રોમી ગોનેન, ડોરોન સ્ટેઇનબ્રેચર અને એમિલી ડામારી સમાવેશ થાય છે. તેમની તબિયત સારી હોવાનું કહેવાય છે અને તેઓ તેલ અવીવના મેડિકલ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. તેમની મુક્તિથી તેલ અવીવમાં ભાવભીના દ્રશ્યો સર્જાયા હતા.

યુદ્ધવિરામના સોદા હેઠળ પ્રથમ તબક્કામાં ગાઝામાં રહેલા લગભગ 100 બંધકોમાંથી 33ને છ સપ્તાહમાં મુક્ત કરાશે. આના બદલામાં ઈઝરાયેલ તેની જેલમાં રહેલા સેંકડો પેલેસ્ટિન કેદીઓને મુક્ત કરશે. ઇઝરાયલી દળો ગાઝાના ઘણા વિસ્તારોમાંથી પાછા હટી જશે. બીજા તબક્કામાં ઇઝરાયેલના પુરુષ સૈનિકો સહિતના બાકીના બંધકોને મુક્ત કરાશે. આ તબક્કાની મંત્રણાઓ પ્રથમ તબક્કા દરમિયાન થશે. હમાસે કહ્યું છે કે તે સ્થાયી યુદ્ધવિરામ અને ઇઝરાયેલની આર્મી સંપૂર્ણ વાપસી વગર બાકીના બંધકોને મુક્ત કરશે નહીં.

ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટે શુક્રવારે યુદ્ધવિરામની સમજૂતીને મંજૂરી આપી હતી.નેતન્યાહુએ ગાઝાથી પરત ફરી રહેલા બંધકોને આવકારવા માટે સ્પેશ્યલ ટાસ્ટ ફોર્સને તૈયાર રહેવાની સૂચના આપી હતી.

ગાઝામાં 7 ઓક્ટોબર 2023એ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ થયું હતું. તે સમયે હમાસે કરેલા હુમલામાં ઇઝરાયેલના આશરે 1,200 નાગરિકોના મોત થયાં હતાં. ઇઝરાયેલના આશરે 250 લોકોને બંધક પણ બનાવાયા હતાં. ઇઝરાયેલા કરેલા વળતા હુમલામાં 46,000થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ગાઝામાં વિનાશ ઉપરાંત આ યુદ્ધથી સમગ્ર મધ્ય પૂર્વમાં અસ્થિરતા ઊભી થઈ હતી.

LEAVE A REPLY