ભારતીય સ્પર્ધા પંચ (CCI)એ એપલની કોન્ટ્રાક્ટ ઉત્પાદક પેગાટ્રોન ટેક્નોલોજી ઈન્ડિયામાં બહુમતી હિસ્સો હસ્તગત કરવાની ટાટા ઈલેક્ટ્રોનિક્સના દરખાસ્તને મંગળવારે મંજૂરી આપી હતી. ટાટા ઇલેક્ટ્રોનિક્સ ટાટા સન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
પેગાટ્રોન ઈન્ડિયા પેગાટ્રોન કોર્પોરેશનની પેટાકંપની છે. પેગાટ્રોન ઇન્ડિયા હાલમાં એપલની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ટરિંગ કંપની છે. તે નોર્થ અમેરિકા, એશિયા અને યુરોપના દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરે છે.ટાટા ઈલેક્ટ્રોનિક્સે નવેમ્બર 2023માં બેંગ્લોરમાં તાઈવાની કંપની વિસ્ટ્રોનનું આઈફોન યુનિટ 125 મિલિયન ડોલરમાં હસ્તગત કર્યું હતું.
અગાઉ ટાટા ઈલેક્ટ્રોનિક્સે તમિલનાડુમાં તાઈવાનની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર કંપની પેગાટ્રોનનો તમિલનાડુ સ્થિત પ્લાન્ટમાં બહુમતી હિસ્સો ખરીદવાની સમજૂતી કરી હતી. ઉદ્યોગ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે એપલના કોન્ટ્રાક્ટ ઉત્પાદકો પાસે હાલમાં લગભગ 40 મિલિયન આઇફોનના એસેમ્બલિંગની માસિક ક્ષમતા છે. પેગાટ્રોનની ઇન્ડિયા ફેક્ટરીમાં લગભગ 10,000 કર્મચારીઓ છે અને વાર્ષિક 5 મિલિયન આઇફોનનું ઉત્પાદન કરે છે.