File- CBI headquarters, in Bengaluru

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGમાં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરવા CBIની એક ટીમ સોમવારે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પહોંચી હતી. ગોધરા પોલીસે 8મેએ આ પરીક્ષામાં ગેરરીતિના મામલે કેસ દાખલ કર્યો હતો. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે દરેક ઉમેદવાર પાસેથી રૂ.10 લાખ લઇ 27 ઉમેદવારોને નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (અંડરગ્રેજ્યુએટ) પાસ કરવાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું.

પંચમહાલના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની એક ટીમ ગોધરા પહોંચી હતી અને સ્થાનિક પોલીસ અધિકારીઓને મળી હતી. અમે તેમને કેસની તપાસ માટે જરૂરી તમામ સમર્થન આપીશું.

ગુજરાતના ગૃહ વિભાગે રવિવારે રાજ્ય પોલીસ દ્વારા નોંધાયેલા NEET-UG પેપર લીકના કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેનાથી કેન્દ્રીય એજન્સીને તપાસ હાથ ધરવાનો માર્ગ મોકળો થયો હતો.
NEET-UG પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સમગ્ર દેશમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે.

ગુજરાત પોલીસે NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિના સંદર્ભમાં ગોધરામાં એક શાળાના આચાર્ય અને શિક્ષક સહિત પાંચ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં તુષાર ભટ્ટ, શાળાના આચાર્ય પરષોત્તમ શર્મા, વડોદરા સ્થિત એજ્યુકેશન કન્સલ્ટન્ટ પરશુરામ રોય, તેમના સહયોગી વિભોર આનંદ અને કથિત વચેટિયા આરીફ વોહરાનો સમાવેશ થાય છે.

જિલ્લા શિક્ષણાધિકારીની ફરિયાદના આધારે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, જય જલારામ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને શહેરમાં NEET માટે નાયબ કેન્દ્ર અધિક્ષક તરીકે નિયુક્ત થયેલા ભટ્ટ પાસેથી રૂ. 7 લાખ રોકડા મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ 27 વિદ્યાર્થીઓએ અગાઉથી ચૂકવણી કરી હતી અથવા રોય અને અન્યને પૈસા ચૂકવવા સંમત થયા હતા, તેમાંથી માત્ર ત્રણ જ પરીક્ષા પાસ કરી શક્યા હતાં.આરોપીઓએ ઉમેદવારોને તેઓ જાણતા હોય તેવા પ્રશ્નોના જવાબ લખવા અને અન્યને ખાલી રાખવા જણાવ્યું હતું બાકી રાખેલા પ્રશ્નનો પછી જવાબ લખવામાં આવ્યાં હતાં.

LEAVE A REPLY