કાર્ડિફ કાસલ ખાતે ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી પ્રસંગે ધ્વજવંદન સાથે ગીત-સંગીત, નૃત્યો સાથે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેલ્સ અને ભારત વચ્ચેના મજબૂત સંબંધોની ઉજવણી કરવામાં આવી હતી અને કાર્ડિફ કાસલ ભારતીય ત્રિરંગા અને ધ્વજોથી ઝગમગી ઉઠ્યો હતો.
ભારતીય માનદ કોન્સ્યુલ રાજ અગ્રવાલ દ્વારા આયોજિત, આ કાર્યક્રમમાં ડેપ્યુટી લોર્ડ મેયર કાઉન્સિલર હેલેન લોયડ જોન્સ, માર્ક ડ્રેકફર્ડ એમએસ, વેલ્સના હેલ્થ એન્ડ સોસ્યલ કેરના કેબિનેટ સેક્રેટરી કનિષ્ક નારાયણ, સાઉથ ગ્લેમોર્ગનના લોર્ડ લેફ્ટનન્ટ મોર્ફુડ મેરેડિથ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ અને સમુદાયના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ અગ્રવાલે કહ્યું હતું કે, “વેલ્સ ભારતીય સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક યોગદાનને ઓળખવા અને સ્વીકારવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવવાનું ચાલુ રાખે છે. આ કાર્યક્રમ વાઇબ્રન્સી અને હૂંફનું બીજું ઉદાહરણ છે જે વેલ્સ અને ભારત વચ્ચેના મજબૂત સંબંધને રજૂ કરે છે.’’
આ પ્રસંગે RAF 614 સ્કવોર્ડ્રનના માનદ એર કોમોડોર તરીકે નવા નિયુક્ત થયેલા સુજાતા થલાડી, CBE પ્રાપ્ત કરવા બદલ ઈમેન્યુઅલ ઓગબોના અને તેમના ઉષા લાડવાને OBE મેળવવા માટે વિશેષ અભિનંદન આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ ભારતના રાષ્ટ્રપતિ અને લંડનમાં ભારતીય હાઈ કમિશનના સંદેશ રજૂ થયા હતા. આ પ્રસંગે મિસ વેલ્સ અને મિસ યુનિવર્સ ગ્રેટ બ્રિટન પરંપરાગત સાડીઓ પહેરીને પધાર્યા હતા.