લંડનસ્થિત ઇમિગ્રેશન કન્સલ્ટન્સી- હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા તાજેતરમાં વિવિધ દેશોના પાસપોર્ટના રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 227 પ્રવાસન સ્થળોના 199 પાસપોર્ટના રેન્કિંગ નક્કી કરવા માટે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સિંગાપોર ટોચના સ્થાને છે, ત્યાર પછીના ક્રમે સ્પેન, ઇટાલી, ફ્રાન્સ અને જર્મની છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં વિવિધ 199 પાસપોર્ટની વિઝા વગરના પ્રવેશની તુલના 227 પ્રવાસ સ્થળો સાથે કરવામાં આવી છે. જો કોઈ વિઝા જરૂરી નથી, તો તે પાસપોર્ટનું મૂલ્ય સૌથી વધુ છે. તેથી જો સિંગાપોરનો પાસપોર્ટ હોય તો વિશ્વના 195 દેશોમાં વિઝા વગર પ્રવેશ મેળવી શકાય છે. યુરોપના ચાર દેશોએ વર્ષની શરૂઆતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, તે હવે જાપાનની સાથે બીજા ક્રમે છે.
ત્રીજા સ્થાને પ્રથમવાર સાત દેશોનો સમાવેશ થયો છે, જેમાં ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, સાઉથ કોરિયા અને સ્વીડનના પાસપોર્ટધારકો 191 દેશોમાં કોઇપણ મુશ્કેલી વગર પ્રવેશી શકે છે. આ ઉપરાંત, કેનેડિયન પાસપોર્ટ ગત વર્ષ કરતાં વધુ મજબૂત બન્યો છે, જેનું રેન્કિંગ સાત છે. જોકે, અમેરિકાને આઠમું સ્થાન મળ્યું છે, જે ગયા વર્ષે સાતમા ક્રમે હતું. છેલ્લા ઘણા વર્ષોમાં કેનેડાનો પાસપોર્ટ અમેરિકા કરતાં આગળના ક્રમે હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ બંને દેશોના પાસપોર્ટ 2019માં છઠ્ઠા સ્થાને હતા, પરંતુ તે પહેલા અને ત્યાર પછી, કેનેડા અમેરિકા કરતાં ઉતરતા ક્રમે હતું. 2014માં, અમેરિકા અને યુકે સંયુક્ત રીતે ટોચના સ્થાને હતા.
ભારતનો પાસપોર્ટ આ યાદીમાં 82માં સ્થાને છે. ભારતીય નાગરિકોને ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ જેવા લોકપ્રિય દેશો સહિત 58 દેશોમાં વિઝા વગર પ્રવાસ કરવાની મંજૂરી મળી છે.

LEAVE A REPLY