કેનેડાની સંસદે મંગળવારે હાઉસ ઓફ કોમન્સમાં બે મિનિટનું મૌન પાળીને ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરને તેના મૃત્યુની પ્રથમ વરસીએ શ્રદ્ધાંજલિ આપી હતી. આતંકવાદીઓ પ્રત્યે કેનેડાની આવી સહાનુભૂતિની ભારતે આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ભારત આતંકવાદના ખતરાનો સામનો કરવામાં મોખરે છે અને આ વૈશ્વિક ખતરાનો સામનો કરવા માટે તમામ રાષ્ટ્રો સાથે મળીને કામ કરે છે. વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કહ્યું છે કે કેનેડાનું આ પગલું વિશ્વને કનિષ્ક બોમ્બ વિસ્ફોટની યાદ અપાવે છે.
ગયા વર્ષે 18 જૂને બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરાઈ હતી. કેનેડા પોલીસે હત્યાના સંબંધમાં ચાર ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે અને આ હત્યામાં ભારત સરકારના એજન્ટ સંડોવાયેલા હોવાનો આરોપ મૂક્યો છે. ભારતે હરદીપ સિંહ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.
અગાઉ કેનેડાએ આ જ રીતે એક નાઝી નેતાનું પણ સન્માન કર્યું હતું, જેને લઇને ભારે વિવાદ થયો હતો. કેનેડાની સંસદે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને તેની પ્રથમ વરસીએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે 23 જૂને કનિષ્ક વિમાન દુર્ઘટનાના 40 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે કેનેડાની સંસદે આ શરમજનક કૃત્ય કર્યું હતું. મોન્ટ્રીયલ-નવી દિલ્હી એર ઈન્ડિયા ‘કનિષ્ક’ ફ્લાઇટ 182માં 23 જૂન, 1985ના રોજ લંડનના હીથ્રો એરપોર્ટ પર ઉતરવાની 45 મિનિટ પહેલા વિસ્ફોટ થયો હતો અને તેમાં સવાર તમામ 329 લોકોના મોત થયા હતા.મોટાભાગના મૃતકો ભારતીય મૂળના કેનેડિયન હતાં. 1984માં સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓનો સફાયો કરવા ‘ઓપરેશન બ્લુસ્ટાર’ના બદલામાં શીખ આતંકવાદીઓએ પર આ બોમ્બ વિસ્ફોટ કર્યો હોવાનું માનવામાં આવે છે.
ભારતીય કોન્સ્યુલેટ જનરલે 23 જૂને વાનકુવરમાં સ્ટેનલી પાર્કના સેપરલી પ્લેગ્રાઉન્ડ વિસ્તારમાં એર ઈન્ડિયા મેમોરિયલ ખાતે કનિષ્ક વિમાન બોંબ વિસ્ફોટની વરસીએ મેમોરિયલ સર્વિસની જાહેરાત કરી હતી. કોન્સ્યુલેટે ભારતીય ડાયસ્પોરાના સભ્યોને આતંકવાદ સામે એકતા દર્શાવવા માટે તેમાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો.