કેનેડા સરકારે બુધવારે જણાવ્યું હતું કે, દેશમાં હંગામી રહેવાસીઓની સંખ્યા ઘટાડવા માટે વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતા સ્ટુડન્ટ વિઝાની સંખ્યાને વધુ ઘટાડવામાં આવી રહી છે અને વર્ક પરમિટ લેવા માટેની યોગ્યતાને કડક બનાવવામાં આવી રહી છે. ઓપિનિયન પોલ્સમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ સરકારની લોકપ્રિયતા ઘટી રહી છે અને તાજેતરની પેટાચૂંટણીમાં તેમને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. આ સ્થિતિમાં તેઓ, દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી વર્કર્સ સહિતના હંગામી રહેવાસીઓની સંખ્યા ઘટાડવા ઇચ્છે છે ત્યારે આ જાહેરાત કરી છે. કેનેડાના રાજકારણમાં આ એક સૌથી વિવાદસ્પદ મુદ્દો બની રહ્યો છે, અને ઓક્ટોબર 2025માં દેશમાં ચૂંટણીઓ પણ યોજાવાની છે. બુધવારે જાહેર કરાયેલા ફેરફારોથી 2025માં ઇસ્યુ કરાયેલા સ્ટુડન્ટ વિઝાની સંખ્યા ઘટીને 437,000 થઈ જશે. ઇમિગ્રેશન ડીપાર્ટમેન્ટના ડેટા મુજબ, કેનેડાએ 2023માં 509,390 અને 2024ના પ્રથમ સાત મહિનામાં 175,920 સ્ટુડન્ટ વિઝા મંજૂર કર્યા હતા. આવા ફેરફારોના કારણે વિદ્યાર્થીઓ અને હંગામી વિદેશી વર્કર્સના જીવનસાથી માટે પણ વર્ક પરમિટની યોગ્યતા મર્યાદિત થઇ જશે.
ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હકીકત એ છે કે કેનેડામાં આવવા ઇચ્છતા દરેક લોકો અહીં આવી શકશે નહીં, એવી જ રીતે જે લોકો કેનેડામાં સ્થાયી થવા ઇચ્છે છે, તે થઇ શકશે નહીં.” સરકારે અગાઉથી જ હંગામી રહેવાસીઓની સંખ્યા ઘટાડીને કુલ વસ્તીના 5 ટકા રાખવાનો સંકલ્પ લીધો છે, જે એપ્રિલમાં 6.8 ટકા હતો.

LEAVE A REPLY