કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે ભારતના હાઇકમિશનર અને રાજદ્વારીઓને બનાવેલા ટાર્ગેટની નિંદા કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે ભારતે સૌપ્રથમ કેનેડામાં સંગઠિત અપરાધનો મુદ્દો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કેનેડાએ લાંબા સમય સુધી આ મુદ્દાની અવગણના કરી હતી.
‘હાલના વૈશ્વિક પરિદ્રશ્યમાં ઉભરતી તકો’ વિષય પર પુણેમાં એક કાર્યક્રમમાં બોલતા જયશંકરે જણાવ્યું હતું કે ભારત તેના રાષ્ટ્રીય હિત, અખંડિતતા અને સાર્વભૌમત્વનો સંબંધ હોય ત્યારે સ્પષ્ટપણે કડક વલણ અપનાવશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કેનેડાની સરકારે જે રીતે આપણા હાઈ કમિશનર અને રાજદ્વારીઓને નિશાન બનાવ્યા તેને અમે સંપૂર્ણપણે નકારીએ છીએ. અહીં ઉલ્લેખ છે કે કેનેડાએ જૂન 2023માં ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતીય હાઇ કમિશનર સંજય વર્માને તપાસ માટે પર્સન ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કર્યા હતાં. કેનેડાની તેમની પૂછપરછ કરે તે પહેલા ભારતે તેમને પરત બોલાવી લીધા હતાં. ભારતે કેનેડાના છ રાજદ્વારીની પણ હકાલપટ્ટી કરી હતી.
જયશંકરે જણાવ્યું હતું કે મુદ્દો એ છે કે ત્યાં કેટલાંક એવા લોકો છે કે જેમને પોતાને એક મોટી રાજનૈતિક તાકાત બનાવી દીધી છે. કમનસીબે તે દેશના રાજકારણમાં આ લોકોને એવું સ્થાન આપવામાં આવે છે કે જે માત્ર આપણા કે આપણા સંબંધો માટે નહીં, પરંતુ કેનેડા માટે પણ નુકસાનકારક છે. ભારતે પ્રથમ કેનેડામાં સંગઠિત અપરાધનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેમને તેની ઉપેક્ષા કરી હતી, કારણ કે કેનેડામાં લાંબા સમયથી અમુક તત્વોને વધારે પડતી છૂટ આપવામાં આવી છે.