ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે હાલના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અત્યાર સુધીમાં ચાર ટેસ્ટ મેચમાં તરખાટ મચાવ્યો છે. મેલબોર્ન ટેસ્ટ મેચમાં બુમરાહ 9 વિકેટ લઈ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો. તેણે આ સીરિઝમાં ત્રીજી વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ ખેરવી હતી. આ સાથે તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ કર્યો છે.
બુમરાહે ટેસ્ટ કેરિયરમાં 13મી વખત 5 કે તેથી વધુ વિકેટ એક ઈનિંગમાં લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે તેની આવી ચોથી સફળતા છે, જે દરેક ઓસ્ટ્રેલિયામાં જ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જસપ્રીત બુમરાહે એક ઈનિંગમાં 5 વિકેટ લીધી. આ સાથે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 10 વખત 5 કે તેથી વધુ વિકેટ લેનારો બુમરાહ વિશ્વનો પહેલો ઝડપી બોલર બન્યો ઓસ્ટ્રેલિયાનો સુકાની કમિન્સ બીજા નંબરે છે. તેણે 9 વખત આ કમાલ કરી છે.
તેનો બીજો નોંધપાત્ર વર્લ્ડ રેકોર્ડ છે સૌથી વધુ કરકસરયુક્ત 200 વિકેટનો છે. મેચના ચોથા દિવસે રવિવારે બુમરાહે ટ્રેવિસ હેડની વિકેટ સાથે પોતાની 44મી ટેસ્ટ મેચમાં 200 વિકેટની સફળતા નોંધાવી હતી. તેમાં પણ વિશિષ્ટતા એ છે કે બુમરાહે દરેક વિકેટ દીઠ 20 રનથી ઓછી સરેરાશ જાળવી છે, વિશ્વની સૌથી ઓછી સરેરાશ છે. આ ઉપરાંત, ભારતમાં તે સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ લેનારો ફાસ્ટ બોલર બની રહ્યો છે. તો વિશ્વમાં તે સૌથી ઝડપી ટેસ્ટ વિકેટ લેવામાં ચોથા ક્રમે છે.