સુરતમાં રવિવાર, 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે ગણપતિ ઉત્સવ દરમિયાન ગણેશ પંડાલ પર પથ્થરમારા પછી બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે બંને જૂથોને વિખેરી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. (PTI Photo)

સુરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારની રાત્રે ગણપતિ પંડાલ પર મુસ્લિમોના પથ્થરમારા પછી બીજા દિવસે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવીને તેને હટાવી દીધા હતાં. ગણેશ પંડાલ પર પથ્થરમારાથી સ્થાનિક વિસ્તારમાં કોમી તંગદિલી ફેલાઈ હતી.

જોકે સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરી હતી કે અતિક્રમણ વિરોધી ઝુંબેશ રવિવારની હિંસા સાથે જોડાયેલી ન હતી, પરંતુ અઠવાડિયા અગાઉથી તેનું આયોજન કરાયું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા ગેરકાયદેસર કોંક્રિટ અને કામચલાઉ બાંધકામોને તોડી પાડવા અને આ વિસ્તારમાં ફેરીયાઓને દૂર કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો.
ગણેશ પંડાલ પર પથ્થમારો કરવાના આરોપીમાં છ મુસ્લિમ સગીરોની અટકાયતના વિરોધમાં 200-300 જેટલા લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને પથ્થરમારો કર્યા પછી રવિવારે રાત્રે સૈયદપુરામાં સાંપ્રદાયિક તણાવ વધ્યો હતો. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પથ્થરમારામાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો ઘાયલ થયા પછી છ સગીરોને રમખાણ અને હત્યાના પ્રયાસના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે અતિક્રમણ વિરોધી ઝુંબેશનું આયોજન બે અઠવાડિયા પહેલા કરવામાં આવ્યું હતું અને તેનો રવિવારની રાત્રે થયેલી અથડામણ સાથે કોઈ સંબંધ નથી. મુસ્લિમ બહુમતી ધરાવતા સૈયદપુરામાં અતિક્રમણ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા છે અને સ્થાનિક કોર્પોરેટરોએ આ અંગે ફરિયાદ કરી હતી.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અનિલ પટેલે આ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહીને યોગ્ય ઠેરવીને જણાવ્યું હતું કે સરકારે ઉશ્કેરણી વિના તોફાનો ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ.

LEAVE A REPLY