કેન્દ્રીય બજેટમાં સમાજના દરેક વર્ગ માટે લેવામાં આવેલા પગલાંને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બજેટથી વધુ સારી વૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત થઈ છે. બજેટ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને વિકસિત ભારત માટે મજબૂત પાયો નાખશે.
યુવાનો, પછાત વર્ગો, મહિલાઓ અને મધ્યમ વર્ગ તેમજ ઉત્પાદન અને માળખાકીય ક્ષેત્રો પર બજેટના તીવ્ર ફોકસની પ્રશંસા કરતાં મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સૂચિત રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહક યોજનાઓ કરોડો નવી નોકરીઓનું સર્જન કરશે. આ વિઝનરી બજેટ આપણા સમાજના દરેક વર્ગના ઉત્થાન અને સશક્તિકરણનું કામ કરશે તથા બધા માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કરશે. રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના કરોડો નોકરીઓનું સર્જન કરશે, યુવાનોની પ્રથમ નોકરીનો પ્રથમ પગાર હવે સરકાર ચુકવશે. તેમણે ઉચ્ચ શિક્ષણ માટેની જોગવાઈઓ અને 1 કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ માટેની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.