મોદી સરકારની અધોગામી નીતિઓથી ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ તૂટી ગયો હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસે માગણી કરી હતી કે આગામી બજેટમાં ‘દરોડા રાજ અને ટેક્સ ટેરરિઝમ’ નાબૂદ કરવા જોઇએ. મોદી સરકારની હાલની નીતિઓને કારણે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ હવે અનઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વાતાવરણમાં ફેરફાઈ ગયો છે.
કોંગ્રેસે મેન્યુફેક્ચરિંગ નોકરીઓનું રક્ષણ કરવા તથા વેતન અને ખરીદશક્તિ વધારવા માટે નિર્ણાયક પગલાં લેવાની પણ માગણી કરી હતી.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી (ઈન્ચાર્જ કોમ્યુનિકેશન્સ) જયરામ રમેશે જણાવ્યું હતું કે મોદી સરકારે ભારતમાં બિઝનેસ કરવાની સરળતામાં સુધારવાનો ઇરાદો લાંબા સમય પહેલા જાહેર કર્યો હતો આમ છતાં છેલ્લાં એક દાયકામાં ખાનગી રોકાણ વિક્રમ નીચી સપાટીએ આવી ગયું છે. વિદેશી રોકાણકારો મોટી સંખ્યામાં ભારત છોડીની જતા રહ્યા છે. જીએસટી અને આવકવેરા બંનેને આવરી લેતી જટિલ, શિક્ષાત્મક અને મનસ્વી કરપ્રણાલી ટેક્સ ટેરરિઝમ સમાન છે. તે હવે ભારતની સમૃદ્ધિ માટે સૌથી મોટો ખતરો બની છે અને તેનાથી બિઝનેસ કરવાની સરળતા સામે અવરોધ ઊભો થયો છે.
2014થી ઘરેલુ ખાનગી રોકાણ નબળું રહ્યું હોવાનો દાવો કરીને રમેશે જણાવ્યું હતું કે આ રોકાણ મનમોહન સિંહ સરકાર દરમિયાન જીડીપીના 25થી 30 ટકા જેટલું ઊંચું હતું. છેલ્લાં દસ વર્ષમાં તે ગબડી જીડીપીની 20થી 25 ટકા થયું છે. આ ધીમા રોકાણની સાથે ધનિકો મોટા પાયે હિજરત કરી રહ્યા છે. છેલ્લાં એક દાયકામાં 17.5 લાખથી વધુ ભારતીયોએ બીજા દેશોની નાગરિકતા મેળવી છે. 2022 અને 2025ની વચ્ચે અંદાજિત 21,300 ડૉલર-મિલિયોનેર ભારત છોડી ગયા છે.
