સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના સંબોધન સાથે શુક્રવાર, 31 જાન્યુઆરીથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન આર્થિક સરવે રજૂ કરશે. પહેલી ફેબ્રુઆરીના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે. જે 4 એપ્રિલના રોજ સમાપ્ત થશે.
બજેટ સત્ર અગાઉ સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોએ સંસદમાં મહા કુંભ મેળામાં નાસભાગની ઘટના અંગે ચર્ચા કરવાની માગણી કરી હતી. વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર સામાન્ય શ્રદ્ધાળુ પર ધ્યાન આપવાને બદલે વીઆઇપી લોકો પર ધ્યાન આપી રહી છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીથી શરૂ થતાં બજેટ સત્રના એજન્ડા અંગે બિઝનેસ એડવાઇઝરી કમિટી નિર્ણય લેશે.
આ બેઠક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં સરકારે વિરોધ પક્ષોને સંસદની કાર્યવાહીમાં સહકાર આપવાની અપીલ કરી હતી.
બજેટ સત્ર માટે સરકારે વકફ (એમેન્ડમેન્ટ બિલ) અને અન્ય ત્રણ બિલો રજૂ કરવાની યોજના બનાવી છે. આ બિલમાં ‘ધ પ્રોટેક્શન ઓફ ઇન્ટેરેસ્ટ્સ ઇન એરક્રાફ્ટ ઓબ્જેક્ટ્સ બિલ, ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંને ગૃહોમાં ગત સત્રથી અન્ય 10 બિલો વિલંબિત છે. ફાઇનાન્સ બિલ, 2025 પણ આ સત્રમાં રજૂ કરવામાં આવશે.