(PTI Photo/Shahbaz Khan)

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારામને મધ્યમવર્ગ માટે આવકવેરાની રાહત તથા આગામી પાંચ વર્ષમાં રોજદારી સર્જન માટે રૂ.2 લાખ કરોડના ખર્ચની જાહેરાત કરી હતી. નાણાપ્રધાન કેન્દ્રની સરકારને ટેકો આપી રહેલા ગઠબંધનના ઘટક પક્ષો શાસિત રાજ્યો માટે જંગી ખર્ચ કરવાની જાહેરાત કરીને તેમને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપને એકલા હાથે બહુમતી ન મળવા માટે ગ્રામીણ વિસ્તારોની મુશ્કેલીઓ અને બેરોજગારીને જવાબદાર ગણવામાં આવે છે ત્યારે સીતારામને તેમના લગાતાર સાતમાં બજેટમાં ગ્રામીણ વિકાસ માટે રૂ.2.66 લાખ કરોડની જોગવાઈ કરી હતી. આર્થિક વિકાસને વેગ આપવા રૂ.11.11 લાખ કરોડના લાંબા ગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ખર્ચ જાળવી રાખ્યો હતો.

તેમણે સ્ટાર્ટઅપ્સમાં રોકાણકારોના તમામ વર્ગો માટે ‘એન્જલ ટેક્સ’ નાબૂદ કર્યો હતો, જ્યારે મોબાઇલ ફોન અને સોના પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો તથા કેપિટલ ગેઇન ટેક્સને સરળ બનાવ્યો છે. જોકે તેમણે શેરોમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ પરના સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધાર્યો હતો, જેના કારણે શેરબજારોમાં ઘટાડો થયો હતો.

તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતનું અર્થતંત્ર ચમકતો તારલો છે અને આગામી વર્ષોમાં પણ આર્થિક વૃદ્ધિ મજબૂત રહેશે. આ બજેટમાં, અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકોની ઊભી કરવા માટે પાંચ વર્ષના સમયગાળામાં રૂ.2 લાખ કરોડની જોગવાઈ ઉપરાંત મેં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે રૂ. 1.48 લાખ કરોડની જોગવાઈ કરી છે.

આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે તે બિહાર માટે નાણાપ્રધાને એક્સપ્રેસવે, પાવર પ્લાન્ટ, હેરિટેજ કોરિડોર અને નવા એરપોર્ટ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર રૂ.60,000 કરોડ ખર્ચવાની જાહેરાત કરી હતી. બિહારમાં ભાજપ અને જેડીયુની ગઠબંધન સરકાર છે અને જેડીયુ રાજ્ય માટે વિશેષ દરજ્જાની માગણી કરી રહી છે. જોકે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો નથી, પરંતુ જંગી મૂડીરોકાણ થશે.

તેવી જ રીતે, આંધ્રપ્રદેશનો શાસક પક્ષ ટીડીપી કેન્દ્રની સરકારે ટેકો આપી રહ્યો છે. આ રાજ્ય માટે નાણાપ્રધાને બહુપક્ષીય એજન્સીઓ દ્વારા નાણાકીય સહાય તરીકે રૂ.15,000 કરોડની ફાળવણી કરી હતી.

પગારદાર મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત અપાઈ છે. પગારદર માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનને 50 ટકા વધારી રૂ.75,000 કરાયું છે. આ ઉપરાંત નવી ઇનકમ ટેક્સ સિસ્ટમનો વિકલ્પ અપનાવતા કરદાતા માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને તેમને રાહત આપવામાં આવી છે. આ તમામ રાહતોથી કરદાતાને વાર્ષિક ધોરણે આવકવેરામાં આશરે રૂ.17,500 સુધીની બચત થશે. નવી ઇનકમ ટેક્સ સિસ્ટમમાં ટેક્સરેટ નીચા છે, પરંતુ તેમાં મર્યાદિત કરકપાત અને કરમાફીના લાભ મળશે.
રોજગારીને વેગ આપવા માટે બજેટમાં કંપનીઓને પ્રોત્સાહનો પણ અપાયા છે. પ્રથમ વખતના કર્મચારીને એક મહિનાના પગારની ચુકવણી તથા દરેક વધારાના કર્મચારી માટે ઇપીએફઓ યોગદાન માટે બે વર્ષ સુધી દર મહિને રૂ.3000 સુધીના કંપનીઓને રિઇમ્બર્સમેન્ટ અપાશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ તેમજ ઇન્ટર્નશિપ એક પ્રોગ્રામ ચાલુ કરાશે તથા વિદ્યાર્થીઓને ઊચ્ચ શિક્ષણ માટે લોનમાં સબસિડી મળશે.

સરકારની ટેક્સની આવકમાં વધારો તથાં રિઝર્વ બેંક તરફથી ઊંચા ડિવિડન્ડને પગલે નાણા પ્રધાને જણાવ્યું હતું સરકારની રાજકોષિય ખાધ 2024-25માં ઘટાડીને જીડીપીના 4.9 ટકા કરશે. ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં રાજકોષિય આવકનો અંદાજ 5.1 ટકા હતો. સરકારનું ઋણ બજાર ઋણ પણ નજીવું ઘટીને રૂ.14.01 લાખ કરોડ થશે.

2024-25 માટેના બજેટમાં કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે રૂ.1.52 લાખની ફાળવણી કરાઈ છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 3 કરોડ એફોર્ડેબલ મકાનનું નિર્માણ કરશે. બજેટમાં 12 ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના અને સ્પેસ સેક્ટર માટે રૂ.1,000 કરોડના વેન્ચર કેપિટલ ફંડની સ્થાપનની પણ દરખાસ્ત છે.

LEAVE A REPLY