
કાચા માલમાંથી સ્ટીલનું ઉત્પાદન કરવામાં સક્ષમ એવી ઇસ્ટ મિડલેન્ડ્સના સ્કન્થોર્પમાં આવેલી દેશની છેલ્લી ફેક્ટરી બ્રિટિશ સ્ટીલને બંધ થતી રોકવા માટે ઇમરજન્સી કાયદો પસાર કરીને સરકારે બ્રિટિશ સ્ટીલનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું છે. ચીની કંપની જિંગયેની માલિકીનો આ પ્લાન્ટ તાત્કાલિક બંધ થવાનો સામનો કરી રહ્યો હતો. વડા પ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે સરકારે તેના બ્લાસ્ટ ફર્નેસને બહાર જતું અટકાવવા માટે “બ્રિટિશ સ્ટીલને બચાવવા માટે પગલાં લીધાં” હતા.
આ ખાસ કામ માટે સંસદ શનિવારે મળી હતી અને કોઇ પણ વિરોધ વિના કાયદો પસાર કર્યો હતો. આ પગલાથી સરકાર હજારો લોકોને રોજગારી આપતી સ્કન્થોર્પ સાઇટનો કબજો લઈ શકે છે. બ્રિટીશ સ્ટીલ બાંધકામ અને રેલ પરિવહનમાં વપરાતા સ્ટીલનું ઉત્પાદન કરે છે.
વડા પ્રધાન સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’અમે હજારો કામદારોની નોકરીઓનું રક્ષણ કરવા માટે કાર્ય કરી રહી છે. ઉદ્યોગના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બધા વિકલ્પો ટેબલ પર છે. આ પગલું “રાષ્ટ્રીય હિતમાં” છે અને આ કાર્યવાહી “ખૂબ જ અભૂતપૂર્વ” છે જે યુકેમાં “સ્ટીલનું ભવિષ્ય” સુરક્ષિત કરવામાં મદદ કરશે.’’
કામદારોએ શનિવારે સવારે ચાઇનીઝ માલિકો જિંગયેના અધિકારીઓને પ્લાન્ટના મુખ્ય ભાગોમાં પ્રવેશતા અટકાવ્યા હતા. પરંતુ કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
જિંગયે કહ્યું છે કે બે બ્લાસ્ટ ફર્નેસ ચલાવવાનું ચાલુ રાખવું આર્થિક રીતે શક્ય નથી, જેના કારણે 2,700 નોકરીઓ જોખમમાં મુકાઈ છે અને કંપની દરરોજ લગભગ £700,000 ગુમાવી રહી છે. આ અંગે વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી ટીકા કરાઇ રહી છે તો ડાબેરી રાજકારણીઓ અને યુનિયનો પણ સંપૂર્ણ રાષ્ટ્રીયકરણ માટે દબાણ કરી રહ્યા છે.
