કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીનો ગંભીર આક્ષેપ કર્યાના આશરે એક વર્ષ પછી લાઓસમાં આસિયાન શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રુડો વચ્ચે ટૂંકી મુલાકાત યોજાઈ હતી.
આ બેઠક પછી ટ્રુડોએ જણાવ્યું હતું કે અમે જેના વિશે વાતચીત કરી છે તેના વિશે હું વિગતોમાં જઈશ નહીં, પરંતુ મેં ઘણી વાર કહ્યું છે કે કેનેડિયનોની સલામતી અને કાયદાના શાસનને જાળવી રાખવું એ કોઈપણ કેનેડિયન સરકારની મૂળભૂત જવાબદારીઓ છે અને મે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
18 જૂન, 2023એ કેનેડાના સરે શહેરમાં ગુરુદ્વારાની બહાર હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના સપ્ટેમ્બરમાં ટ્રુડોના આક્ષેપો પછી ગયા વર્ષે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ બન્યા હતાં. ભારતે નિજ્જરને 2020માં ત્રાસવાદી જાહેર કર્યા હતો અને કેનેડાના આક્ષેપોને ફગાવી દીધાં હતાં. ભારતે જણાવ્યું હતું કે કેનેડા ખાલિસ્તાન તરફી તત્વોને આશ્રય આપી રહ્યું છે. ટ્રુડોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા કેટલાંક મહિનાઓથી સમગ્ર દેશમાં ઇન્ડો-કેનેડિયનોને અસર કરતી હિંસાની મુશ્કેલીભરી પેટર્ન જોઈ રહ્યા છીએ અને આ એક એવો મુદ્દો છે, જેને અમે ઉઠાવતાં રહીશું.