ભૂતપૂર્વ હોમ સેકર્ટરી અને કવ્ઝર્વેટીવ પક્ષના અગ્રણી નેતા સુએલા બ્રેવરમેને કન્ઝર્વેટિવ્સમાંથી રિફોર્મ યુકેમાં પક્ષપલટો કરવાની શક્યતાને નકારી કાઢી છે. તેમણે આ સંસદના અંત સુધીમાં હજુ પણ ટોરી સાંસદ રહેશે કે કેમ તેની પુષ્ટિ કરવાનો તથા નાઇજેલ ફરાજની બળવાખોર પાર્ટીમાં જોડાવા બાબતે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. રિફોર્મ પક્ષને હવે કન્ઝર્વેટિવ્સ કરતા સરેરાશ બે પોઇન્ટ ઉપર મત મળી રહ્યા છે.
ટોરી રાઇટના સૌથી અગ્રણી વ્યક્તિઓમાંના એક, શ્રીમતી બ્રેવરમેને પાર્ટીના નેતા કેમી બેડેનોકને વિનંતી કરી હતી કે તેઓ નેટ માઇગ્રેશનને દસ હજાર સુધી ઘટાડી દે અથવા તેને સંપૂર્ણપણે સ્થિર કરી દે.
શ્રીમતી બ્રેવરમેને ટેલિગ્રાફને એક મુલાકાતમાં કહ્યું હતું કે “અમે ઘણા આજીવન સમર્થકોને છોડી દીધા છે અને અમે મુખ્યત્વે ઇમિગ્રેશન અને અન્ય બાબતો પર પણ નિરાશ કર્યા છે. હું 14 વર્ષની ઉંમરથી કન્ઝર્વેટિવ પાર્ટીની સભ્ય અને આજીવન કન્ઝર્વેટિવ મતદાતા છું. હું કન્ઝર્વેટિવ વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ સરકાર ઇચ્છું છું. અને આખરે, બ્રિટિશ રાજકારણમાં, બે કન્ઝર્વેટિવ પક્ષો માટે જગ્યા નથી. જો આપણા મત વહેંચાશે તો લેબર પાર્ટીના બીજા પાંચ વર્ષ માટે શાસન કરશે. તેથી આપણે આ સમસ્યા વિશે શું કરવું તે વિશે વિચારવાની જરૂર છે.”