અદાણી ગ્રુપ સામેના યુએસ સિક્યોરિટી એન્ડ એક્સ્ચેન્જ કમિશનના સિવિલ કેસ તથા ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્ક કોર્ટમાં દાખલ થયેલા ક્રિમિનલ કેસની સુનાવણી સિંગલ જજને સોંપવામાં આવી છે. કથિત લાંચના મામલે અદાણી ગ્રૂપ સામના સિવિલ અને ફોજદારી બંને કેસ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગેરૌફિસને સોંપવામાં આવ્યા છે, પરંતુ બંને કેસોની સુનાવણી અલગ અલગ થશે અને ચુકાદા પણ અલગ હશે.
યુએસ કોર્ટે 12મી અને 18મી ડિસેમ્બરના રોજ આ કેસો સિંગલ જજને સોંપવાનો આદેશ આપ્યો હતો. કાર્યક્ષમતામાં વધારો કરવા ઉપરાંત વિરોધાભાસી સમયપત્રકને ટાળવા માટે આ કેસો એક જ જજ સમક્ષ મૂકવામાં આવ્યા છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે એસઈસીએ દાખલ કરેલો કેસ તથા ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્ક કોર્ટમાં લાવવામાં આવેલા કેસોની એક જ ન્યાયાધીશ સુનાવણી કરશે. જોકે બંને કેસો અલગ રહેશે.
ભારતમાં 265 મિલિયન ડોલરની લાંચ અને ફ્રોડના મામલે યુએસ સત્તાવાળાએ નવેમ્બર 2024માં ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને બીજા છ સામે આરોપો દાખલ કર્યા હતાં. યુએસ પ્રોસિક્યુટર્સે આરોપ મૂક્યો છે કે અદાણી ગ્રુપના આ અધિકારીઓ સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને આ લાંચ આપી હતી અને બે દાયકામાં 2 બિલિયન ડોલરનો નફો કર્યો હતો.