શેરહોલ્ડર્સના દબાણને પગલે માન્ચેસ્ટર સ્થિત ઓનલાઇન ફેશન રિટેલર બૂહૂનું મેનેજમેન્ટ તેના બિઝનેસના વિભાજનની વિચારણા કરી રહ્યું છે. પ્રીટીલિટલથિંગ, કેરેન મિલેન અને ડેબનહેમ્સનો જેવી પ્રખ્યાત બ્રાન્ડ ધરાવતું આ ગ્રુપ ઊંચા દેવા અને તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે.
તેના શેરના ભાવમાં છેલ્લાં પાંચ વર્ષમાં 85 ટકા ધોવાણ થયું હતું. સંખ્યાબંધ શેરધારકોએ સારો દેખાવ કરતી કેટલીક બ્રાન્ડને અલગ કરવા માટે ગ્રુપનું વિભાજન કરવાનો બોર્ડનો અનુરોધ કર્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ડેબનહેમ્સ અને કેરેન મિલેન જેવી બ્રાન્ડ સારો દેખાવ કરી રહી છે અને તેમાં વૃદ્ધિની સારી તકો છે. બૂહૂ, બૂહૂમેન અને પ્રીટીલિટલથિંગ જેવી ફાસ્ટ ફેશન બ્રાન્ડનું વેચાણ કરવું જોઇએ. બૂહૂના કુલ માર્કેટકેપ કરતાં કરતાં તેની અલગ-અલગ બ્રાન્ડનું મૂલ્ય વધારે છે, તેથી વિભાજન કરવું જોઇએ.
આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રુપના વિભાજન અથવા આખરે તે કેવી રીતે વિભાજિત થશે તેની કોઈ નિશ્ચિતતા નથી, પરંતુ તેના સહ-સ્થાપક મહમૂદ કામાણી અને કેરોલ કેન તમામ વિકલ્પો પર વિચારણા કરી રહ્યા છે. કામાણી રોકાણકારોની વિનંતીને સાંભળી રહ્યાં છે.
2006માં સ્થાપવામાં આવેલ બૂહૂએ ઓનલાઈન શોપિંગમાં તેજી પર સવાર થઈ બ્રિટનમાં સૌથી ઝડપથી વિકસતા રિટેલર્સમાં સ્થાન મેળવ્યું હતું. કંપની 2014માં પ્રારંભિક પબ્લિક ઇશ્યૂ (આઇપીઓ) લાવી હતી અને તેને જોરદાર સફળતા મળી હતી. તે સમયે તેનું વેલ્યૂએશન £600 મિલિયન આંકવામાં આવ્યું હતું. આ પછી ગ્રુપે મોટાપાયે એક્વિઝિશન કર્યા હતાં. જેમાં 2019માં મિસપેપ, કારેન મિલેન અને કોસ્ટ બ્રાન્ડ્સ અને 2020માં વેરહાઉસ અને ઓએસિસ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. 2021માં બૂહૂએ ડેબનહેમ્સ, ડોરોથી પર્કિન્સ, વોલિસ અને બર્ટન સહિત બ્રિટિશ હાઇ સ્ટ્રીટ બ્રાન્ડ ખરીદી હતી. જોકે મહામારી પછી તેનું નાટકીય પતન ચાલુ થયું હતું.