ભારતમાં ગુરુવાર, 24 ઓક્ટોબર સુધીના 11 દિવસમાં ભારતીય એરલાઇન્સ સંચાલિત 250થી વધુ ફ્લાઇટ્સને બોંબથી ઉડાવી દેવાની ખોટી ધમકી મળતાં એરલાઇન્સ ક્ષેત્ર માટે મુશ્કેલી ઊભી થઈ હતી અને ઘણા મુસાફરો અટકાવાયા હતા. આવી ખોટી ધમકીઓ ક્યાંથી આવે છે અને તેની પાછળ કોનો હાથ છે તેની સરકારને હજુ નક્કર માહિતી મળી શકી નથી. આવી ધમકીઓ મોટાભાગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત મળી છે.
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા અને Xને આવા ખોટા મેસેજ કરનારા અંગેનો ડેટા એરલાઇન્સ કંપનીઓને આપવા માટે તાકીદ કરી હતી. ગુરુવાર, 24 ઓક્ટોબરે આશરે 80 ફ્લાઇટ્સને બોંબથી ઉડાવી દેવાની ખોટી ધમકીઓ મળી હતી.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે ટોચની બહુરાષ્ટ્રીય ટેક્નોલોજી કંપનીઓને પણ આવા કોલ પાછળના લોકોની ઓળખ કરવામાં મદદ કરવાની સૂચના આપી છે, કારણ કે આ એક જાહેર હિતની બાબત છે. સરકારે કેટલાંક ગુનેગારોને શોધી કાઢ્યા છે અને કાર્યવાહી ચાલુ કરી છે.
આ મુદ્દે સોશિયલ મીડિયા કંપનીઓ સરકારને સહકાર આપી રહી છે કે નહીં તેવા સવાલના જવાબમાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓએ સહકાર આપવો પડશે અને ડેટા પૂરો પાડવો પડશે કારણ કે આમાં જાહેર હિત જોડાયેલું છે.
ગુરુવારે વિવિધ ભારતીય એરલાઇન્સની 80થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને બોમ્બની ધમકીઓ મળી હતી. એર ઇન્ડિયા, વિસ્તારા અને ઇન્ડિગો પ્રત્યેકની 20 ફ્લાઇટ્સને બોંબની ધમકી મળી હતી, જ્યારે અકાસા એરની 13 ફ્લાઇટને આવી ધમકી મળી હતી. આ ઉપરાંત એલાયન્સ એર અને સ્પાઇસજેટ પ્રત્યેકની પાંચ-પાંચ ફ્લાઇટમાં બોંબ હોવાની ધમકી મળી હતી.