(ANI photo)

અન્ય બાબતોની જેમ બોલીવૂડ ફિલ્મોના દર્શકો પણ દર વર્ષે કંઇક નવું થાય તેવું ઇચ્છે છે. આ વર્ષે હિન્દી ફિલ્મોના રસિકોને જુદા જુદા કલાકારોની છ નવી જોડીઓ જોવા મળશે. આ કલાકારોમાં નવોદિત, યુવા, અનુભવીઓનું સંયોજન જોવા મળે છે.

સિધ્ધાર્થ મલ્હોત્રા-જહાન્વી કપૂર

એક ક્રોસ કલ્ચર ડ્રામા ફિલ્મમાં યુવા કલાકારો સિધ્ધાર્થ મલ્હોત્રા અને જહાનવી કપૂર પ્રથમવાર સાથે જોવા મળશે. જૂલાઈ મહિનામાં રજૂ થનારી ‘પરમ સુંદરી’ ફિલ્મમાં સિધ્ધાર્થ સફળ બિઝનેસમેન અને જહાન્વી કન્ટેપરરી આર્ટિસ્ટની ભૂમિકામાં જોવા મળશે. યુવા દર્શકોને આકર્ષવા માટે નિર્માતા-દિગ્દર્શક દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

આદિત્ય રોય કપૂર-સારા અલી ખાન

અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો… ઈન દિનો’માં આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન પણ પ્રથમવાર સાથે કામ કરી રહ્યા છે. હકીકતમાં આ ફિલ્મ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જ રજૂ થવાની હતી. પણ એક યા બીજા કારણોસર તેની રજૂઆત વારંવાર વિલંબમાં પડી હતી અને હવે તે આ વર્ષે થીયેટરમાં રીલિઝ થશે. અનુરાગ બાસુની યાદગાર ફિલ્મોમાંની એક ‘લાઈફ ઈન અ મેટ્રો’ને આગળ લઈ જવાની ડિમાન્ડ છેલ્લા અનેક વર્ષોથી થઈ રહી હતી. અનુરાગે પણ ફેન્સની આતુરતાને જોતાં નવી ફિલ્મ ‘મેટ્રો ઈન દિનો’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર, નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, અલી ફઝલ, ફાતિમા સના શેખ પણ જોવા મળશે. ફિલ્મમાં સંગીત પ્રીતમનું જ છે. ફિલ્મનું શૂટિંગ શરુ નથી થયું, ત્યાં જ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

રિતિક રોશન- કિઆરા અડવાણી

એક યુવા અભિનેત્રી અને બીજા અનુભવી અભિનેતા એવા આ બંને કલાકારોએ પ્રથમવાર એક્શનથી ભરપૂર ફિલ્મ ‘વોર-ટુ’માં જોડી જમાવી છે. આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટમાં રીલીઝ થશે. તેમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મ અભિનેતા જુનિયર એનટીઆર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આમ, યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આ ફિલ્મમાં બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયાનું રોમાંચક મિશ્રણ જોવા મળશે. રિતીકે ‘ટાઇગર-3’માં કેમિયો કર્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘યે જવાની હૈ દિવાની’ના જાણીતા અયાન મુખર્જી કરી રહ્યા છે. વોરનો પ્રથમ ભાગ 2019માં રજૂ થયો હતો. જેના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ હતા. તેમાં રિતિક રોશનની સાથે ટાઇગર શ્રોફની જોડી જોવા મળી હતી.

વિકી કૌશલ- રશ્મિકા મંદાના

લક્ષમણ ઉત્તેકરની ઐતિહાસિક-એક્શન ફિલ્મ ‘છાવા’ ટૂંક સમયમાં, 14 ફેબ્રુઆરીએ રીલિઝ થશે. તેમાં વિકી કૌશલે મરાઠા રાજા ‘સંભાજી’ અને રશ્મિકા મંદાનાએ ‘યેસુબાઈ ભોંસલે’ની ભૂમિકા ભજવી છે. પોતાના ધર્મને ટકાવવા માટે મુગલ બાદશાહ ઔરંગઝેબની અસહ્ય યાતનાઓ વેઠનારા છત્રપતિ સંભાજી મહારાજના જીવન આધારિત ફિલ્મ ‘છાવા’નું પ્રમોશન પૂર જોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં રશ્મિકાના ફર્સ્ટ લૂકને પોસ્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. રશ્મિકાએ પરંપરાગત સાડીની સાથે ભવ્ય ઘરેણાં પહેરેલાં છે. મહારાણી યેસુબાઈની ગરિમા અને ભવ્ય ઈતિહાસની ઝલક આપતા આ પોસ્ટર લોકોને આકર્ષી રહ્યું છે. રશ્મિકાએ પોતાના માથાને ઢાંકેલું છે અને ચહેરા પર સ્માઈલ છે.

શાહિદ કપૂર-પૂજા હેગડે

બોલીવૂડના ચોકલેટી હીરો શાહીદ કપૂર અને યુવા અભિનેત્રી પૂજા હેગડે પણ એક ફિલ્મ દ્વારા પ્રથમવાર સાથે જોવા મળશે. તેમની ફિલ્મ દેવા પણ રીલીઝ થવાની તૈયારીમાં છે. હકીકતમાં ફિલ્મ સર્જક રોશન એન્ડ્રુઝ પણ આ મૂવી સાથે હિન્દી ફિલ્મોમાં પ્રથમવાર દિગ્દર્શન પર હાથ અજમાવ્યો છે. આ ફિલ્મમાં શાહિદ પોલીસના રોલમાં છે.

ધનુષ-ક્રિતિ સેનન

ધનુષ અને ક્રિતિ સેનન પણ પ્રથમવાર સાથે કામ કરી રહ્યા છે. આ કલાકાર જોડીની સૌપ્રથમ ફિલ્મ છે ‘તેરે ઈશ્ક મેં’. આનંદ એલ. રાયની મ્યુઝિકલ લવ સ્ટોરી આધારિત આ ફિલ્મ વર્તમાન વર્ષમાં જ રીલીઝ થવાની છે. શાહિદ કપૂર સાથેની ફિલ્મ તેરી બાતોમેં ઐસા ઉલઝા જિયાને બાદ કરીએ તો ક્રિતિની અન્ય કોઈ ફિલ્મ સફળ રહી નથી. ક્રિતિને હિટ ફિલ્મની જરૂર હતી અને તેને નવા વર્ષમાં ‘તેરે ઈશ્ક મૈં’ દ્વારા સફળ રહેવા નવી આશા દેખાઈ રહી છે. જોકે ધનુષે, આનંદ એલ. રાય સાથે ‘રાંઝણા’ (2013) અને ‘અતરંગી રે’ (2021) બાદ આ ત્રીજી ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મ દ્વારા ધનુષ લાંબા સમય પછી હિન્દી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થયો હતો.

 

LEAVE A REPLY