જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધમાં પશ્ચિમ બંગાળના સિલિગુડીમાંબંગિયા હિન્દુ મહામંચના સમર્થકોએ વિરોધ કૂચ કાઢી હતી. (PTI Photo)

કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં લાવવામાં આવશે.

પત્રકારો સાથે વાતચીત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર હુમલામાં બચી ગયેલા અને ઘરે પાછા ફરવા માંગતા અન્ય પ્રવાસીઓને પાછા લાવવા માટે કેન્દ્ર સાથે નજીકથી કામ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં સુરતના શૈલેષ કળથીયા, ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો સમાવેશ થાય છે.આ હુમલામાં ગુજરાતના બીજા પ્રવાસીઓ ઘાયલ થયા હતાં. સંઘવીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓને તેમના ધર્મની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

શૈલેષ કળથીયાનો મૃતદેહ આજે રાત્રે સુરત લાવવામાં આવશે. તેમની પત્ની અને બે બાળકોને પણ પાછા લાવવામાં આવશે. કળથીયાના પરિવારે પુષ્ટિ આપી હતી કે તેમના પિતા હિંમતભાઈ, જે હવે અમરેલી જિલ્લામાં રહે છે, સુરત પહોંચી ગયા છે અને ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી અપેક્ષા છે.સુરત શહેરના ચીકુવાડી વિસ્તારના વતની કળથીયા (44) ચાર વર્ષ પહેલાં નોકરી ટ્રાન્સફરના કારણે મુંબઈ શિફ્ટ થયા હતા. તેઓ તેમની પત્ની અને બે બાળકો સાથે પહેલગામ ગયા હતા.

જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ભાવનગર શહેરના કાલીયાબીડ વિસ્તારના રહેવાસી યતીશ પરમાર અને તેમનો પુત્ર સ્મિત પણ સામેલ હતા. આ પિતા-પુત્રની જોડી ઉપરાંત ભાવનગરના 19 વ્યક્તિઓ 16 એપ્રિલે શ્રીનગરમાં મોરારી બાપુના પ્રવચનમાં હાજરી આપવા માટે કાશ્મીર ગયા હતાં. અમદાવાદથી, મૃતદેહોને રોડ માર્ગે ભાવનગર લાવવામાં આવશે. અન્ય પ્રવાસીઓ એ જ ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ પહોંચશે અને પછી તેમને મુંબઈથી લક્ઝરી બસમાં ભાવનગર લાવવામાં આવશે

LEAVE A REPLY